Monday, December 23, 2024
Homeરાજ્યભાણવડ નજીક ગાંજાના વિશાળ જથ્થા સાથે સુરતનો શખ્સ ઝડપાયો

ભાણવડ નજીક ગાંજાના વિશાળ જથ્થા સાથે સુરતનો શખ્સ ઝડપાયો

- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં નોંધપાત્ર અને પ્રથમ વખત કહી શકાય એવા ગાંજાના વિશાળ જથ્થા સાથે એસઓજી પોલીસે મૂળ જામજોધપુરના રહીશ અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક યુવાનને દબોચી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સમયમાં સામાન્ય ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી દ્વારા કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટેની વિવિધ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એસ.ઓ.જી. પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે.
આ દરમ્યાન એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા ભાણવડ પંથકમાં આજરોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહિલને મળેલી ચોક્ક્સ બાતમી મુજબ આજરોજ ચઢતા પહોરે ભાણવડ નજીકના જામજોધપુર રોડ ઉપર આવેલા ત્રણ પાટીયા નજીકથી પસાર થઈ રહેલા જી.જે. 10 ડીજી 1670 નંબરના કાળા કલરના એકટીવા મોટરસાયકલને અટકાવી અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આ મોટરસાયકલમાં ચૂનાના કોથળામાં જુદા જુદા પેકેટ બનાવીને લઈ જવાતા કુલ 10 કિલો 464 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને થાપ આપવાના ઈરાદે ચુનાના બાચકામાં લઈ જવાતો કુલ રૂપિયા 1,04,640 ની કિંમતનો 10.464 કિલો ગાંજો પોલીસે કબજે કર્યો હતો.
આ ગાંજાનો જથ્થો રાત્રિના અંધારાના સમયમાં લઈને નીકળેલા મૂળ જામજોધપુરના ખારાવડ પ્લોટ ખાતેના રહીશ અને હાલ સુરતના કામરેજ વિસ્તારમાં સ્થાયી થઈ અને ડ્રાઇવિંગ કામ કરતાં બટુક ઉર્ફે બુઢ્ઢાભાઈ કમાભાઇ લખમણભાઈ પરમાર નામના 41 વર્ષના યુવાનને દબોચી લેવામાં આવ્યો હતો. પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના એકટીવા મોટરસાયકલ સહિત કુલ રૂ. 1,46,640 નો મુદ્દામાલ કબજે કરી, ગાંજાનો જથ્થો લઇને આવનાર બટુક ઉર્ફે બુઢ્ઢાભાઈ પરમાર સામે એન.ડી.પી.એસ.ની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ અર્થે ઉપરોક્ત શખ્સને ભાણવડ પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એ.ડી. પરમાર, એએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા, કોન્સ્ટેબલ દિનેશભાઈ માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, નિલેશભાઈ કારેણા, રાકેશભાઈ સિધ્ધપુરા તથા કિશોરભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular