ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી.
તા. 1, 2 અને 3 ફેબ્રુઆરી એમ ત્રિ-દિવસીય ચાલનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં 6 મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન 21 ફેબ્રુઆરીના રોજ અને 31 જીલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. તે અંતર્ગત 6 મહાનગરપાલિકાની 144 વોર્ડની 576 બેઠક માટે 1, 2 અને 3 ફેબ્રુઆરીના રોજ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાનાર છે તે પૈકી આજ રોજ 6 મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપવા માટે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભામાં સતત છઠ્ઠી વખત જનતા જનાર્દનના આશીર્વાદથી ભાજપાને સેવા કરવાનો મોકો મળી રહ્યો છે. પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ (કાકા), કેબિનેટ મંત્રીઓ આર. સી. ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદો જશવંતસિંહ ભાભોર, રાજેશ ચુડાસમા, ડો. કિરીટભાઈ સોલંકી, પૂર્વ મેયર કાનાજી ઠાકોર અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. જ્યોતિબેન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.