રાજકોટથી મળતો અહેવાલ જણાવે છે કે,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સાથે માથાકૂટ અને મારામારીની ઘટનાઓ પણ શરૂ થઇ ચૂકી છે. ભાજપના રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાએ પોતાના ભાઇને લોધિકા તાલુકા પંચાયતમાં ટિકિટ મળે તે માટે દાવેદાર ભાજપના કાર્યકર્તાને પોતાની મેટોડા સ્થિત ઓફિસમાં બોલાવી ધમકાવ્યા હતા અને બન્ને વચ્ચે ગાળાગાળી, મારામારી થઇ હતી.
લોધિકા તાલુકા પંચાયતની ચૂંટણી માટે ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાએ પોતાના ભાઇ માવજીભાઇ સાગઠિયા માટે લોબિંગ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપના કાર્યકર્તા મોહનભાઇ દાફડા પણ આ બેઠક માટે પ્રબળ દાવેદાર છે. જેના પગલે ધારાસભ્યએ પોતાની મેટોડા સ્થિત પેઢીની ઓફિસમાં મોહનભાઇ દાફડાને બોલાવી ધમકાવ્યા હતા. સાગઠિયાએ આ દરમિયા દાફડાના શર્ટનો કાઠલો પકડી લીધો હતો અને બન્ને વચ્ચે ગાળાગાળી અને મારામારી થઇ હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે સોમવારે 60 વર્ષથી મોટી ઉંમરનાને ટિકિટ નહીં આપવાની જાહેરાત કરી છે અને રવિવારે ધારાસભ્યએ પોતાના 70 વર્ષના ભાઇ માટે હરીફને ધમકાવવા પ્રયાસ કર્યો હતો.
લોધિકા તાલુકા પંચાયતની બેઠક માટે મેં ટિકિટની દાવેદારી કરી હતી. બીજી તરફ ધારાસભ્ય લાખાભાઇ પોતાના ભાઇને ટિકિટ મળે તેવું ઇચ્છી રહ્યા હતા. મેટોડામાં ધારાસભ્યની માટેલ બિલ્ડિંગ મટિરિયલ્સની પેઢીમાં હું ગયો ત્યારે આ મુદ્દે વાતચીત દરમિયાન ધારાસભ્યએ મારો કાઠલો પકડી લીધો અને ગાળો આપી તેથી મેં પણ પ્રતિકાર કર્યો હતો અને સામી એક ચોડી દીધી હતી.એમ મોહનભાઇ દાફડા, લોધિકા તા. પંચાયતની બેઠકના દાવેદારએ કહ્યું છે.
લોધિકા તાલુકા પંચાયતની બેઠક માટે મોહનભાઇ દાફડાએ દાવેદારી કરી છે અને તેને મારી ઓફિસે આવી રજૂઆત કરી હતી. કોઇ માથાકૂટ કે મારામારી થઇ નથી. ટિકિટ આપવાનું કામ આપણે ક્યા કરીએ છીએ, પાર્લામેન્ટ્રી બોર્ડ કરે છે. મોહનભાઇનો અવાજ થોડો ઊંચો છે તેથી કોઇને એવું લાગ્યું હોય કે માથાકૂટ કરે છે પણ એવું કંઇ થયું નથી. એમ લાખાભાઇ સાગઠિયા, ધારાસભ્ય રાજકોટ ગ્રામ્યએ જણાવ્યું છે.