મહંત રામસ્વરૂપદાસ મહારાજના આશીર્વાદથી છેલ્લા 28 વર્ષથી સતત સેવાયજ્ઞ રૂપે આરોગ્ય સેવા ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહેલ ડાહીબેન પરસોત્તમ એન્ડ પરસોત્તમ જુઠાભાઈ વિશરોલીયા ચેરીટેબલ ટ્રસ્ટ – દ્વારકા દ્વારા માનવસેવાની પરંપરાને આગળ વધારતા વધુ એક ભવ્ય અને નિ:શુલ્ક ‘નેત્રયજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નેત્રયજ્ઞનું આયોજન તા. 28ના રોજ મહંત રામસ્વરૂપદાસ મહારાજની 31મી પુણ્યતિથિ નિમિત્તે, સમર્પણ જનરલ હોસ્પિટલ, જામનગરના સહયોગથી સમર્પણ આંખની હોસ્પિટલ, દ્વારકા હાઈવે, જામનગર ખાતે કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી સતત સમાજના ગરીબ, જરૂરિયાતમંદ તથા ગ્રામ્ય વિસ્તારોના લોકોને વિનામૂલ્ય આરોગ્ય સેવા પૂરી પાડવાનો સેવાયજ્ઞ અવિરત રીતે ચાલી રહ્યો છે. આ લાંબા સમયગાળામાં હજારો દર્દીઓને આરોગ્યલાભ પહોંચાડી ટ્રસ્ટે સમાજમાં માનવસેવાની એક આગવી ઓળખ ઉભી કરી છે.
આ નેત્રયજ્ઞ દરમિયાન આંખના રોગોનું સંપૂર્ણ નિદાન, દવા તેમજ મોતીયો, જામર અને વેલ જેવા ગંભીર આંખના રોગોના વિનામૂલ્ય ઓપરેશન કરીને નેત્રમણી આરોપણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કેમ્પ દરમિયાન આંખના નિષ્ણાંત ડોક્ટરો ડો. આર. ટી. જાડેજા તથા ડો. મિતલ કડીવાર દ્વારા સેવા આપવામાં આવી હતી.
આ સેવાયજ્ઞને જનતામાંથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જામનગર, દ્વારકા તથા પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અંદાજે 1000 જેટલા દર્દીઓએ ઓપીડીનો લાભ લીધો હતો. તમામ દર્દીઓને ઓપીડી, સારવાર અને દવાઓ સાથે-સાથ દર્દી તથા તેમના સહાયક માટે નિવાસ, ભોજન તથા ચા-પાણીની સંપૂર્ણ વિનામૂલ્ય વ્યવસ્થા સંસ્થા દ્વારા સુચારુ રીતે કરવામાં આવી હતી.
સમયના અભાવે આ કેમ્પમાં આંખોના નંબર કાઢી આપવામાં આવ્યા નહોતા, તેમ છતાં દર્દીઓ માટે જરૂરી તમામ તબીબી સેવાઓ નિ:શુલ્ક પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજક તથા સમર્પણ જનરલ હોસ્પિટલ, જામનગરના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર શૈલેશ મોઢાએ જણાવ્યું હતું કે, છેલ્લા 28 વર્ષથી સતત સેવાયજ્ઞ રૂપે આવા નેત્રયજ્ઞોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા મળી રહે તે હેતુથી ટ્રસ્ટ અને હોસ્પિટલ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ નેત્રયજ્ઞમાં વિવિધ જિલ્લાઓના દર્દીઓએ લાભ લીધો હોવું એ સેવા અને સમર્પણની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ પ્રકારના નેત્રયજ્ઞો સમાજમાં સેવા, સંવેદના અને માનવતા માટે પ્રેરણારૂપ સાબિત થાય છે અને ભવિષ્યમાં પણ આવા સેવાકાર્યો અવિરત ચાલુ રહેશે તેવો વિશ્વાસ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.


