Tuesday, January 20, 2026
Homeરાજ્યજામનગરસસ્તી સોલાર પેનલના નામે 100 થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરનાર ગેંગ...

સસ્તી સોલાર પેનલના નામે 100 થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરનાર ગેંગ ઝડપાઇ – VIDEO

સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર લોભામણી જાહેરાતોના આધારે કૌભાંડ : લોનના નામે સાયબર ક્રાઇમ આચરતી ગેંગના પાંચ સાગરીત ઝબ્બે : એક ફરાર

જામનગરમાં સોશિયલ મીડિયા પર સસ્તી અને ગુણવત્તાયુક્ત સોલાર પેનલ લગાવવાની લોભામણી જાહેરાતો આપી 100 થી વધુ લોકોને બેંક લોનના જાળમાં ફસાવી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર સંગઠિત સાયબર નેટવર્કને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે તોડી પાડ્યું છે. પોલીસે કાર્યવાહી કરી પાંચ આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એક મુખ્ય આરોપી ફરાર છે. જેને શોધવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

- Advertisement -

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવના સતત માર્ગદર્શન હેઠળ અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના વડપણમાં જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આઇ.એ. ધાસુરાના નેતૃત્વમાં હે.કો. દર્શિત સિસોદિયા અને પો.કો. રાજેશ પરમારની ટીમે ટેક્નિકલ એનાલિસિસ તથા માહિતી સંકલન દ્વારા આ સમગ્ર સાયબર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન આર્થિક છેતરપિંડીના બનાવો વધી રહ્યા હતા. ખાસ કરીને સોલાર પેનલ ફિટિંગના બહાને લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા. આ સંજોગોમાં INTIFY SOLAR PVT. LTD નામની કંપનીના નામે આરોપીઓએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આકર્ષક જાહેરાતો મૂકી હતી અને સસ્તા ભાવે ઉત્તમ ગુણવત્તાની સોલાર પેનલ લગાવી આપવાની લાલચ આપી હતી. જાહેરાતો જોઈ અનેક લોકો કંપનીનો સંપર્ક કરતા, ત્યારબાદ આરોપીઓ તેમની પાસેથી ઓળખ દસ્તાવેજો મેળવી બેંક મારફતે લોન મંજૂર કરાવી દેતા અને તે લોનની રકમ સીધી પોતાના અંગત બેંક ખાતામાં જમા કરાવી લેતા હતા.

- Advertisement -

જામનગર સાયબર ક્રાઈમ પોલીસને ફરીયાદ મળી હતી કે, સોશિયલ મીડીયામાં જાહેરાત આપીને લોન સોલાર પેનલ માટે લોન કરાવી હતી. કુલ રૂ. 6,10,932 જેટલી રકમ પડાવી લીધી હતી. જે ફરિયાદ અને તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓએ માત્ર થોડા લોકોને નહીં પરંતુ 100 થી વધુ લોકોને આ જ પદ્ધતિથી છેતર્યા હતા અને લોન મંજૂર થયા બાદ આરોપીઓએ ન તો સોલાર પેનલ ફિટિંગ કરી આપી, ન કોઈ સર્વિસ પૂરી પાડી અને ન તો ચુકવેલ રકમ પરત કરી, જેના કારણે ભોગ બનનાર લોકો બેંકના હપ્તા ભરવામાં પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ટેક્નિકલ એનાલિસિસ અને બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેસિંગ દ્વારા સાબિત થયું કે, આરોપીઓ એકબીજા સાથે સાંઠગાંઠ કરી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા અને ઠગાઈની રકમ અંગત લાભ માટે વાપરતા હતા. આ આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જામનગર ખાતે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 318(4), 61 (2) તેમજ આઈટી એક્ટ-2000ની કલમ 66(સી) અને 66(ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

- Advertisement -

તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી 08 પાસબુક-ચેકબુક, 12 મોબાઈલ ફોન તથા 02 સી.પી.યુ. જપ્ત કર્યા છે. જેનો ઉપયોગ સાયબર ફ્રોડ અને ઓનલાઈન ઠગાઈ માટે થતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ગુનામાં પોલીસે હિરેનભાઈ નાથાલાલ લાઠીયા (તીરૂપતી પાર્ક, ઢિંચડા રોડ, જામનગર), ચેતનભાઈ અશોકભાઈ પાણખાણિયા (નિલકમલ સોસાયટી, ખોડીયાર કોલોની, જામનગર), રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ (મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ, જામનગર), અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર (ખોડીયાર કોલોની, ન્યુ આરામ કોલોની, જામનગર) તથા રામજી ક્રમોદસિંઘ લોધી (હાલ રહે પાર્થ એપાર્ટમેન્ટ, જકાતનાકા પાસે, જામનગર; મૂળ રહેવાસી બક્ષીપુરા, ભિંડ, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી છે, જ્યારે આ કેસનો અન્ય આરોપી કાનાભાઈ બેડીયાવદરા હાલ ફરાર છે અને તેને પકડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર ગુજરાત સહિત જામનગર જિલ્લામાં પણ સાયબર ક્રાઈમના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા જાહેરાતો, ફેક વેબસાઈટ, ફ્રોડ કોલ, લિંક ક્લિકિંગ અને લોન આધારિત ઠગાઈના કેસો વધી રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકો આર્થિક રીતે ભારે નુકસાન ભોગવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈને જામનગર પોલીસ સતત પેટ્રોલિંગ, ટેક્નિકલ મોનિટરિંગ અને જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે. પોલીસ દ્વારા પ્રજાજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે કોઈપણ ઓનલાઈન જાહેરાત પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો, કંપનીની સંપૂર્ણ ચકાસણી કર્યા વિના ચુકવણી ન કરવી, અજાણ્યા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાથી બચવું તથા શંકાસ્પદ લિંક, કોલ કે મેસેજ મળતા તરત સતર્ક રહેવું. સાયબર ઠગાઈનો ભોગ બનતા જ 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવા તથા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular