જામનગર શહેરમાં દ્વારકા તરફથી પ્રવેશતા મુખ્ય માર્ગ પર રોજબરોજ સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા જામનગર મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ખોડિયાર કોલોની માર્ગ પર પાયલોટ બંગલાથી દિગજામ સર્કલ સુધીના મુખ્ય માર્ગને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી માટે સ્ટેડીંગ કમિટીની મંજૂરી મળતાની સાથે જ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
શહેરમાં પ્રવેશતા આ વ્યસ્ત માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને વાહન વ્યવહાર વધુ સુગમ બનાવવા અંદાજે 15 કરોડ રૂપિયાના ખર્ચે આ મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે. રોડના મધ્ય ભાગમાં ખાસ પ્રકારનો એક મીટર પહોળો ડિવાઈડર મૂકવામાં આવશે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થવા ઉપરાંત શહેરની શોભામાં પણ વધારો થશે.
View this post on Instagram
આ સંદર્ભે જામનગર મહાનગરપાલિકા કમિશનર દિનેશ મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશ જાની, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખોડિયાર કોલોની વિસ્તારમાં સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. દરમિયાન રોડની માપણી કરી અધિકારીઓ દ્વારા જરૂરી અને યોગ્ય સૂચનો આપવામાં આવ્યા હતા.
સ્ટેડીંગ કમિટીની મંજૂરી મળતા જ મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવીને આ કામગીરી વહેલી તકે શરૂ થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે, જેથી જામનગર શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ મળી શકે.


