જામનગર શહેરના ટ્રાફિક નેટવર્કમાં વિક્ટોરિયા પુલ એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યસ્ત માર્ગ તરીકે ઓળખાય છે. શહેરમાં પ્રવેશતા તથા શહેરમાંથી બહાર જતાં અનેક મુખ્ય માર્ગો વિક્ટોરિયા પુલ સાથે જોડાયેલા હોવાથી અહીં રોજિંદી ટ્રાફિક અવરજવર ભારે પ્રમાણમાં રહે છે. છેલ્લા લાંબા સમયથી અહીં ખાનગી મોટી બસો, અન્ય મોટા વાહનો અને આડેધડ પાર્કિંગના કારણે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાને ગંભીરતાથી લઈ જામનગર સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા તા. 23/12/2025ના રોજ સાંજના પીક અવર્સ દરમિયાન વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
વિક્ટોરિયા પુલ વિસ્તાર શહેરનું પ્રવેશદ્વાર ગણાય છે. અહીંથી જી.જી. હોસ્પિટલ, ત્રણબત્તી ચોક, અંબર ચોકડી, રણજીતનગર રોડ સહિતના વિસ્તારો તરફ જતાં વાહનો પસાર થાય છે. ખાસ કરીને સાંજના સમયે ખાનગી બસો દ્વારા રસ્તા પર જ પેસેન્જર ઉતારવા-ચઢાવવાનું, બસોને લાંબા સમય સુધી ઉભી રાખવાનું તેમજ અન્ય વાહનો દ્વારા ગેરરીતે પાર્કિંગ કરવાના કારણે આખો પુલ વિસ્તાર ટ્રાફિક જામમાં ફેરવાઈ જતો હતો. પરિણામે એમ્બ્યુલન્સ, ઇમરજન્સી વાહનો અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.
View this post on Instagram
વિક્ટોરિયા પુલ પર વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી સીટી બી પોલીસ દ્વારા સઘન અને સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી. આ વિશેષ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન વિક્ટોરિયા પુલને કેન્દ્રમાં રાખીને આસપાસના તમામ મુખ્ય માર્ગો પર ચેકિંગ કરવામાં આવ્યું.
પોલીસ દ્વારા એક જ દિવસમાં 49 વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને રૂ. 22,300/- જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી સાથે સાથે અનેક વાહનોમાંથી નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલી કાળી ફિલ્મ દૂર કરવામાં આવી હતી.
આ ડ્રાઈવ દરમિયાન વિક્ટોરિયા પુલ વિસ્તારમાં ગેરરીતે પાર્ક કરાયેલી ખાનગી મોટી બસો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસની કાર્યવાહી બાદ ખાનગી બસ સંચાલકો દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. બસ સંચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાની તૈયારી દર્શાવી હતી તેમજ વિક્ટોરિયા પુલ નજીક બસ ઊભી રાખવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા નિર્ધારિત જગ્યા ફાળવવાની માંગણી કરી હતી.
ખાનગી બસ સંચાલકોના એસોસિયેશન દ્વારા જણાવાયું હતું કે મોટા ભાગના બસ માલિકો અને સંચાલકો નિયમોનું પાલન કરવા માટે તૈયાર છે, પરંતુ થોડા બેદરકાર ડ્રાઈવરો પેસેન્જર લેવા માટે રસ્તા પર જ બસ રોકી દેતા હોવાથી સમગ્ર ટ્રાફિક વ્યવસ્થાને નુકસાન થાય છે.
જામનગર બસ એસોસિયેશનના ચેરમેન રાજેન્દ્ર કનકાઈએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા અગાઉ પણ અનેક વખત સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે અને દિવાળી દરમિયાન પણ નિયમોનું કડક પાલન કરવા માટે જણાવ્યું હતું. હાલ પોલીસની કાર્યવાહી યોગ્ય અને જરૂરી હોવાનું સ્વીકારી એસોસિયેશન દ્વારા સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે.
સીટી બી પોલીસ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે વિક્ટોરિયા પુલ સહિત શહેરના તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાનું પોલીસનું મુખ્ય લક્ષ્ય છે. નાગરિકોને રોજિંદા ટ્રાફિકની મુશ્કેલીમાંથી મુક્તિ મળે અને માર્ગ સુરક્ષા જળવાઈ રહે તે માટે આવી વિશેષ ટ્રાફિક ડ્રાઈવો આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે. વિક્ટોરિયા પુલ પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા પોલીસની કાર્યવાહીથી શહેરજનોમાં રાહતની અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.


