ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને અનુસરી, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનારા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો — સાહિબઝાદા જોરાવરસિંઘજી અને સાહિબઝાદા ફતેહસિંઘજીના શહાદત દિવસને ‘વીર બાળ દિવસ’ તરીકે જામનગરમાં શ્રદ્ધાપૂર્વક અને ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે.
આ નિમિત્તે, જામનગર શહેરના ગુરુદ્વારા નજીક આવેલા નવા બ્રિજ નીચે વીર બાળ દિવસની સ્મૃતિમાં વિશેષ સાત દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે ૨૨ ડિસેમ્બરથી ૨૮ ડિસેમ્બર સુધી ચાલશે. કાર્યક્રમનો ભવ્ય શુભારંભ જામનગર–દેવભૂમિ દ્વારકાના માનનીય સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત સાહિબઝાદાઓની શૌર્યગાથા અને બલિદાનની ભાવનાને જનમાનસ સુધી પહોંચાડવા માટે મોટી સ્ક્રીન પર વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે, ગુરુ ગોવિંદસિંહજીના ચારેય સાહિબઝાદાઓના કટ-આઉટ સાથેનું આકર્ષક સેલ્ફી પોઇન્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં લોકો ભાવભક્તિ સાથે ફોટોગ્રાફ્સ લઈ આ ઐતિહાસિક ક્ષણોને યાદગાર બનાવી રહ્યા છે.
આ કાર્યક્રમ દરરોજ સાંજના ૭:૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે, જેમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાહિબઝાદાઓના બલિદાનને સ્મરણ કરી રહ્યા છે.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેર ભાજપના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં જામનગર મહાનગરપાલિકાના ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશ કગથરા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, ભાજપ શહેર પૂર્વ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, કાજલ હિન્દુસ્તાની, વિશ્વ હિન્દુ પરિષદના ભરતભાઈ ફલીયા સહિત ગુરુદ્વારા કમિટીના તમામ સભ્યો અને શીખ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
View this post on Instagram
ઉપરાંત, શહેર ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહી સાહિબઝાદાઓના અપ્રતિમ બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ સાત દિવસીય કાર્યક્રમ દ્વારા જામનગરની જનતા સાહિબઝાદાઓના શૌર્ય, બલિદાન અને ધર્મનિષ્ઠાની ગાથાથી પરિચિત થશે અને તેમના અમર બલિદાનને હૃદયપૂર્વક નમન કરશે.


