જામનગર બાર એસોસીએશનની ગઇકાલે યોજાયેલ ચુંટણીમાં પ્રમુખ તરીકે ભરતભાઇ સુવા 12મી વખત પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા છે. ગઇકાલે તેઓ વિજેતા જાહેર થતાં તેમને વકીલોએ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. અને આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર બાર એસોસીએશનની વર્ષ 2026ના હોદેદારો માટેની ચુંટણી ગઇકાલે યોજાઇ હતી. ગઇકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. 1253 જેટલા મતદારો આ ચુંટણીમાં નોંધાયા હતાં. જેમાં પ્રમુખ, લાયબ્રેરી મંત્રી, ખજાનચી, મહિલા પ્રતિનિધિ અને 10 સભ્યોની કારોબારી માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. જ્યારે ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી અને ત્રણ કારોબારી સભ્યો બીનહરીફ જાહેર થયા હતાં. ગઇકાલે યોજાયેલ મતદાન બાદ સાંજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 985 મતોની મતગણતરી થઇ હતી. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર ભરતભાઇ સુવાને 598 મત મળ્યા હતાં. જ્યારે તેના હરીફ ઉમેદવાર ભરતસિંહ જાડેજાને 376 મત મળતા ભરતભાઇ સુવા પ્રમુખ પદ માટે વિજેતા જાહેર થયા હતાં.
લાયબ્રેરી સેક્રેટરીમાં હર્ષભાઇ પારેખને 367 મત અને જયદેવસિંહ જાડેજાને 533 મત મળ્યા હતાં. આથી જયદેવસિંહ જાડેજા વિજેતા જાહેર કરાયા હતાં. ખજાનચીમાં ચંદ્રીકાબેન ધંધુકીયાને 279 મતની સામે ચાંદનીબેન પોપટને 631 મત મળતા ચાંદનીબેનને વિજેતા જાહેર કરાયા હતાં. જ્યારે કારોબારી સભ્યોમાં દિપક દલસુખભાઇ ભલારા 709 મત, મિતુલ ડી. હરવરા 551 મત, રઘુવીર કે. કંચવા 542 મત, વનરાજ કે. મકવાણા 533 મત, ખોડીયાભાઇ એસ. વાઘેલા 516 મત, જયેશભાઇ એસ. સુરડીયા 506 મત, પંજકભાઇ એ. લહેરૂ 472 મત મેળવી વિજેતા થયા હતાં.
જ્યારે ઉપપ્રમુખ તરીકે રૂચીલ રાવલ, સેક્રેટરી (મંત્રી) તરીકે મનોજભાઇ એસ. ઝવેરી, જોઇન્ટ સેક્રેટરી તરીકે દિપકકુમાર કે. ગચ્છર, કારોબારી સભ્યો તરીકે ગીતાબેન એન. પારેગી, દિપાલીબેન જે. મંગે, માનસી વી. જાટીયા બીનહરીફ વિજેતા જાહેર થયા હતાં. જામનગર બાર એસોસીએશનની ચુંટણીમાં ચુંટણી કમીશ્નર તરીકે કે.ડી. ચૌહાણએ ફરજ બજાવી હતી.
ગઇકાલે રાત્રીના મતગણતરી પૂર્ણ થતાં જામનગર બાર એસોસીએશનના પ્રમુખ તરીકે ભરતભાઇ સુવા 12મી વખત વિજેતા જાહેર થયા હતાં. ઉપસ્થિત વકીલોએ નવનિયુકત વિજેતા ઉમેદવારોને ફુલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ આ વિજયની મોં મીઠા કરાવી ઉજવણી કરવામાં આવી હતી.


