જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ શિયાળાની ઋતુ દરમિયાન માત્ર પક્ષીપ્રેમીઓનું નહીં, પરંતુ વિદ્યાર્થીઓ માટે જીવંત શિક્ષણનું કેન્દ્ર બની જાય છે. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા અહીં યોજાતી પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ખુલ્લા આકાશ નીચે, કુદરતી વાતાવરણમાં મોજ-મસ્તી સાથે શીખવાનો અનોખો અનુભવ મળે છે, જેને બાળકો પ્રેમથી મસ્તીની પાઠશાળા એટલે પક્ષીની પાઠશાળા તરીકે ઓળખે છે.
ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા દર વર્ષે શિયાળાના સમયમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરોનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં પ્રકૃતિ, પર્યાવરણ અને જૈવ વૈવિધ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. જામનગર નજીક આવેલું મરીન નેશનલ પાર્ક હેઠળનું ખીજડીયા પક્ષી અભ્યારણ વિશેષ મહત્વ ધરાવે છે. 1 ડિસેમ્બરથી અહીં નેચર એજ્યુકેશન કેમ્પ કાર્યરત થાય છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રકૃતિના ખોળે, ખુલ્લા આકાશ નીચે શિક્ષણ આપવામાં આવે છે.
આ પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં એક બેચમાં અંદાજે ૫૦ જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધોરણ ૮થી લઈને કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા શાળા, કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાઈ શકે છે. શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જામનગર વનવિભાગમાં ઓફલાઈન અરજી કરવામાં આવે છે. અરજી મંજૂર થયા બાદ નિયત તારીખે વિદ્યાર્થીઓ આ શિબિરમાં ભાગ લઈ શકે છે.
શિબિર માટે વિદ્યાર્થીઓને ખીજડીયા સુધી પહોંચવાની વ્યવસ્થા સંબંધિત શૈક્ષણિક સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ રહેવાની વ્યવસ્થા, નાસ્તો-ભોજન, માર્ગદર્શન, વિવિધ પ્રવૃત્તિઓ અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા સંપૂર્ણપણે વન વિભાગ દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટે પ્રકૃતિની વચ્ચે ખાસ સ્થળે રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે, જે તેમને શહેરની દોડધામથી દૂર શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે.
શિબિર દરમિયાન વન વિભાગ દ્વારા વિવિધ પ્રકારની શૈક્ષણિક તથા આનંદદાયક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. જેમાં વહેલી સવારે પક્ષી દર્શન, પ્રકૃતિ ટ્રેકિંગ, ખીજડીયા પક્ષી અભ્યારણના મ્યુઝિયમની મુલાકાત, પક્ષીઓની જાતો, તેમનો વસવાટ, સ્થળાંતર અને જીવનચક્ર વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. વન વિભાગના અધિકારીઓ અને પ્રકૃતિ માર્ગદર્શકો દ્વારા વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ ભાષામાં સમજાવવામાં આવે છે, જેથી બાળકો પ્રકૃતિ સાથે સહજ રીતે જોડાઈ શકે.
આ ઉપરાંત પર્યાવરણ જતન અને સંરક્ષણ અંગે બાળકોને જાગૃત કરવા માટે વિશેષ સત્રો યોજવામાં આવે છે. આકાશ દર્શન, કેમ્પ ફાયર, સાંસ્કૃતિક કાર્યક્રમો, જૂથ ચર્ચા, ક્વિઝ કોમ્પિટિશન જેવી પ્રવૃત્તિઓ શિબિરને વધુ રોચક બનાવે છે. ક્વિઝ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને અંતે ઈનામ વિતરણ પણ કરવામાં આવે છે, જે બાળકોમાં વધુ ઉત્સાહ જગાવે છે.
બે દિવસ દરમિયાન યોજાતી આ શિબિરમાં વન વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ વિષયો પર લેક્ચર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના વિસ્તૃત અને સંતોષકારક જવાબ આપવામાં આવે છે તેમજ અંતે ફીડબેક સેશન દ્વારા વિદ્યાર્થીઓના અનુભવો જાણવામાં આવે છે. સામાન્ય રીતે વર્ગખંડ અથવા શાળાની ચાર દીવાલોમાં મળતું શિક્ષણ અહીં ખુલ્લા આકાશ નીચે જીવંત સ્વરૂપે મળે છે, જ્યાં પ્રકૃતિ જ શિક્ષક બની જાય છે.
ખીજડીયા પક્ષી અભ્યારણમાં વસવાટ કરતા ૩૦૦થી વધુ જાતિના પક્ષીઓ આ શિબિરનું મુખ્ય આકર્ષણ છે. વિદ્યાર્થીઓને આ પક્ષીઓને નજીકથી નિહાળવાની તક મળે છે. પક્ષીઓની ઉડાન, અવાજ, રહેણાંક અને વર્તનને પ્રત્યક્ષ રીતે જોવાથી વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે વધુ રસ અને સંવેદનશીલતા વિકસે છે. એટલા માટે જ અહીં આવનારા વિદ્યાર્થીઓ આ શિબિરને આનંદથી મસ્તીની પાઠશાળા એટલે પક્ષીની પાઠશાળા તરીકે ઓળખે છે, જ્યાં મસ્તી સાથે સાચું શિક્ષણ મળે છે.
અહીં આવનારા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે આ શિબિર માત્ર શીખવાની નહીં, પરંતુ જાણવા, માણવા અને અનુભવવાની અનોખી જગ્યા બની જાય છે. મોજ-મસ્તી અને આનંદ સાથે નવી માહિતી મેળવવી, કુદરતની નજીક રહેવું અને મોટી સંખ્યામાં પક્ષીઓને નજીકથી નિહાળવાની તક મળવાથી આ અનુભવ જીવનભર યાદ રહે એવો બની જાય છે.
આ રીતે ખીજડીયા પક્ષી અભ્યારણમાં યોજાતી પ્રાકૃતિક શિક્ષણ શિબિર પ્રકૃતિપ્રેમ, પર્યાવરણ જાગૃતિ અને શિક્ષણને એકસાથે જોડતી એક પ્રશંસનીય પહેલ બની છે, જે આવનારી પેઢીમાં કુદરત પ્રત્યે જવાબદારી અને સંવેદનશીલતા વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.


