જામનગર શહેર અને જિલ્લામાં પૂર્વ આયોજિત કાવતરાં રચી ગેરકાયદેસર નાણાની હેરફેર કરવા માટે પોતાના બેન્ક એકાઉન્ટની કીટ આપતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અંતર્ગત શહેરના કિશાન ચોક અને હર્ષદ મીલ ચાલી વિસ્તારમાં રહેતાં બે શખ્સો વિરૂદ્ધ રૂા. 31.53 લાખના બેન્ક વ્યવહારો સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેર અને જિલ્લામાં છેતરપિંડીના ગેરકાયદેસર નાણાની હેરફેર કરવા માટે બેન્ક ખાતાની કીટો આપી દેતાં શખ્સો વિરૂઘ્ધ જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરમ્યાન કિશાન ચોક વિસ્તારમાં રહેતાં શબ્બીરહુશેન સિદિક બ્લોચ મકરાણી નામના શખ્સએ તેનું બેન્ક એકાઉન્ટ આફતાબ તારમામદ સમા દ્વારા શબ્બીરહુશેનના એકાઉન્ટનો વપરાશ કરી જુદી જુદી રકમના કમિશનો મેળવી ગેરકાયદેસર વ્યવહારો અને ટ્રાન્સફર કર્યાના રૂા. 31,53,900ના વ્યવહારો સંદર્ભે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે બન્ને વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં રહેતાં મહમદ સફી ગફાર કકકલ નામના શખ્સના બેન્ક ખાતાનો વપરાશ સુલ્તાન આલુલા દ્વારા કરી ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઇ કરી ગેરકાયદેસર નાણાના વ્યવહારો કરી કમિશન મેળવી કુલ રૂા. 9,72,000ના વ્યવહારો કરવા સંદર્ભે પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી. આ ઉપરાંત જામનગરના જોડિયા ભુંગા વિસ્તારમાં રહેતાં શબ્બીર અબ્દુલ નાંગિયા નામના શખ્સના ખાતાનો મુન્નાવર મન્સૂર બુચડ દ્વારા ઉપયોગ કરી ગેરકાયદેસર વ્યવહારો કરી રૂપિયા 3,00,000ના ગેરકાયદેસર વ્યવહારો કરી કમિશન મેળવ્યા સંદર્ભે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે બન્ને શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી. તેમજ જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતાં અંકિત મુકેશ બારોટના બેન્ક ખાતાનો દેવ ઉર્ફે ડી. કે. ભટ્ટ નામના શખ્સ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઇ કરી છેતરપિંડીથી મેળવેલા ગેરકાયદેસર નાણા અંકિતના ખાતામાં રૂા. 4,99,000ના વ્યવહારો કરી નાણા ઉપાડી લઇ ગેરકાયદેસર વ્યવહારો અંગે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ તાલુકાના મુળીલા ગામના રૂદ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજાના બેન્ક ખાતાનો ગેરકાયદેસર ઉપયોગ કરી યુવરાજસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા અને જય દિલીપ માંડવિયા (બન્ને રહે. જેતપુર) નામના બે શખ્સોએ રૂા. 11,25,495ના વ્યવહારો કરી રૂા. 33 હજાર કમિશન પેટે મેળવી બાકીના રૂા. 11,25,495ના વ્યવહારો કરવા સંબંધે પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત જામનગર શહેરના સેતાવાડમાં જીવા સતાના ડેલા નજીક રહેતાં સાહિલ સત્તાર જુનાણીના બેન્ક ખાતાના એટીએમનો શાહિદ (જામનગર), અલ્પેશ (જામનગર) નામના ત્રણ શખ્સોએ રૂા. 20 હજારના વ્યવહારો કરી નાણાં સગેવગે કરવાના બનાવમાં પોલીસે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી.


