જામજોધપુર તાલુકાના કોટડા બાવિસી ગામમાં રહેતી યુવતીએ ત્રણ માસના પુત્રનું સવા મહિના પહેલાં બિમારીના કારણે મૃત્યુ થતાં પુત્રના વિયોગમાં ગૂમસૂમ રહેતી અને જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જામનગરમાં રહેતો યુવાન પડાણા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાં અચાનક પડી જતાં બેશુદ્ધ થઇ જવાથી મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના કોટડા બાવિસી ગામમાં માતાજીના મંદિર પાસે રહેતાં હિનાબેન મયૂરભાઇ ડાભી (ઉ.વ.25) નામની યુવતીના ત્રણ માસના પુત્ર હિતરાજનું સવા મહિના પહેલાં બિમારીના કારણે તબિયત લથડતાં મોત નિપજયું હતું. પુત્રના મોતથી વિયોગમાં રહેતી માતા સતત ચિંતામાં રહેતી હતી અને પુત્રના વિયોગમાં જિંદગીથી કંટાળી શનિવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે યુવતીના પિતા હરિભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ. બી. વડાવિયા તથા સ્ટાફએ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં ભાવના ઇન્ડસ્ટ્રીયલ સામે રહેતાં રામજીભાઇ કાનજીભાઇ પરમાર (ઉ.વ.43) નામના યુવાન ગત્ તા. 04 ડિસેમ્બરના બપોરના સમયે પડાણામાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતાં હતા. તે દરમ્યાન એકાએક પડી જતાં સારવાર માટે પ્રથમ રિલાયન્સની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પિતા કાનજીભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ આરંભી હતી.


