જિલ્લા વહીવટી તંત્ર અને આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્લેટફોર્મ પૂરું પાડી એક અનોખી અને આવકારદાયક પહેલ શરૂ કરાઈ છે. આ પહેલ અંતર્ગત ખેડૂતો હવે પોતાનું ઉત્પાદન સીધું જ ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યાં છે, જેનાથી નાગરિકોને તદ્દન વ્યાજબી ભાવે તાજા અને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો મળી રહ્યાં છે. આ પહેલ થકી નાગરિકોને રાસાયણમુક્ત, શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે, સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમનું ઉત્પાદન સીધું જ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે યોગ્ય પ્લેટફોર્મ પણ મળી રહ્યું છે.
જામનગરના નાગરિકો માટે આવા બે સ્થળો નક્કી કરવામાં આવ્યા છે જ્યાં પ્રાકૃતિક રીતે ઉગાડેલા ઉત્પાદનોનું વેચાણ થાય છે. જેમાં જોગર્સ પાર્ક પાસે દર બુધવારે તેમજ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે દર શનિવારે સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો લીલા શાકભાજી, ફળો, ધાન્ય-કઠોળ તેમજ અન્ય મૂલ્યવર્ધિત વસ્તુઓનું વેચાણ કરવા માટે આવે છે.અને અહીં ગુણવત્તાસભર વસ્તુઓ લેવા માટે ગ્રાહકોની ભીડ જોવા મળે છે.ત્યારે અન્ય નગરજનોને પણ આ પ્રાકૃતિક બજારમાં આવીને સ્વસ્થ ખાદ્ય વસ્તુઓનો લાભ લેવા અને ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવા આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.


