જામનગરમાં સમર્પણ સર્કલ પાસે સમય વાસા વીરા પાર્કમાં રહેણાંક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. ઘરમાંથી રૂા. બે લાખની રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 5,25,000ની માલમત્તા ઉસેડી ગયા હતા. આ અંગે સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગરની સત્યમ્ કોલોની, ઓશવાળ-3, વ્હાઇટ હાઉસમાં રહેતાં તૃપ્તિબેન ધીરજલાલ પડિયાએ સિટી ‘સી’ ડિવિઝનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જામનગરમાં સમર્પણ સર્કલ પાસે “સમય” વાસા વીરા પાર્ક, શેરી નંબર એકમાં તેમના રહેણાંક મકાને તા. 18 થી 26 નવેમ્બર દરમ્યાન તસ્કરોએ ચોરી કરી હતી. રહેણાંક મકાનમાંથી રૂા. બે લાખની રોકડ, રૂા. 1,50,000ની કિંમતની 32 થી 35 ગ્રામની સોનાથી મઢેલી રૂદ્રાક્ષની માળા, રૂા. 40 હજારની કિંમતનો 15 થી 20 ગ્રામનો સોનાનો ચેઇન, રૂા. 48 હજારની કિંમતની 20 ગ્રામની સોનાની બે બંગડી, રૂા. 40 હજારની 15 ગ્રામની ગુરૂના નંગવાળી જેન્સ વિંટી, સૂર્યની ડિઝાઇનવાળું પ થી 7 ગ્રામનું સોનાનું લોકેટ, રૂા. 10 હજારની કિંમતનું સાત ગ્રામનું નંગ વગરનું સોનાનું લોકેટ, 500 ગ્રામ ચાંદીનો ચોરસો અને 100 થી 150 ગ્રામના ચાંદીના સાંકળા તથા રૂા. એક હજારની કિંમતના 15 થી 20 ગ્રામના સોનાનું પાણી ચઢાવેલા ચાંદીના સાંકળા સહિત કુલ રૂા. 5,25,000ની કિંમતના 10 થી 11 તોલા સોના, 670 ગ્રામ ચાંદી તથા રોકડ સહિતનો માલસામાન ચોરી કરી ગયા હતા.
આ અંગે અજાણ્યો શખ્સ તથા શકદાર તરીકે આકાશ બિપીન કબીરા વિરૂઘ્ધ ફરિયાદ નોંધાતા સિટી ‘સી’ના પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફએ ઘટના સ્થળે પહોંચી જઇ વધુ તપાસ હાથ ધરી છે.


