જામનગર શહેરમાં પંડિત નેહરૂ માર્ગ પર આવેલી પાનની દુકાને મસાલો ખાવા ઉભેલા યુવક સાથે ત્રણ શખ્સોએ બોલાચાલી કરતાં યુવકે બોલાચાલીની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સોએ લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર બ્લોક નંબર બી/08માં રહેતો દિવ્યરાજસિંહ સમરસિંહ ચાવડા (ઉ.વ.24) નામનો યુવક ગુરૂવારે બપોરના સમયે પંડિત નેહરૂ માર્ગ પર આવેલી એન.ડી. પાન નામની દુકાને મસાલો ખાવા ગયો હતો. ત્યારે ત્યાં હાજર રહેલા દીપક દિલીપ અને બે અજાણ્યા સહિતના ત્રણેય શખ્સોએ યુવક સાથે બોલાચાલી કરી હતી. જેથી દિવ્યરાજસિંહએ બોલાચાલી કરવાની ના પાડતાં ઉશ્કેરાયેલા બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલાના બનાવમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ કે. એન. જાડેજા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી હતી.


