જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર નવો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક પણ બસ આ નવા બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ST બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે.
શહેરીજનોને ST બસ સેવાનો લાભ મળી રહે તે માટે ત્રણ નવા સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે. જામનગરના ST ડેપોથી રાજકોટ તરફ જતી બસો માટે જૂના રેલવે સ્ટેશન (અંબર ચોકડી), કાલાવડ તરફ જતા સાત રસ્તા ચોકડી અને હાલાર હાઉસથી આગળ એમ કુલ ત્રણ જગ્યાએ સ્ટોપ અપાશે.
View this post on Instagram
આ નિર્ધારિત સ્ટોપ પર મુસાફરોને બસમાં ચડાવવા અને ઉતારવા બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતી બસો માટે સુરેશ ફરસાણ માર્ટથી આગળ જૂના રેલવે સ્ટેશન અને સાત રસ્તા સર્કલ પાસે મુસાફરોની સુવિધા ઉપલબ્ધ રહેશે.
અગાઉ સુભાષ બ્રિજ પાસે રોડની પહોળાઈ ઓછી હોવાથી અને બસ ઊભી રાખવાથી ટ્રાફિકની સમસ્યા થતી હતી. આ કારણે ગુરુદ્વારા અને સુભાષ બ્રિજ પાસેના જૂના પોઈન્ટ રદ કરવામાં આવ્યા છે. તેના બદલે, રાજપાર્ક પાસે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર અને વોલ્વો સહિતની તમામ પ્રકારની બસોનું સંચાલન આ નવા રૂટ પરથી કરવામાં આવશે.


