જામનગર શહેરમાં ચૂનાના ભઠ્ઠા પાસેના વિસ્તારમાં રહેતાં યુવાનને દોઢ વર્ષ પહેલાં માર માર્યાની યુવાનની પત્ની દ્વારા નોંધાવાયેલી ફરિયાદ અને ત્યારબાદ કોર્ટ કેસ ચાલુ હોય આ બાબતનો ખાર રાખી પિતા-પુત્રએ સ્વિફ્ટ કારમાં આવીને લાકડાના ધોકા વડે હુમલો કરી યુવાનની પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં ઢોલિયાપીરની દરગાહ પાસે રહેતાં અહેમદ રઝાભાઇ મ.હુશેન નાઇ (ઉ.વ.36) નામના યુવાન ઉપર આરીફ જુમા ખફી નામના શખ્સે દોઢ વર્ષ અગાઉ માર માર્યો હતો. જે બાબતની ફરિયાદ યુવાનની પત્ની દ્વારા કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ કોર્ટ કેસ પણ ચાલુ હતો. જેનો ખાર રાખી ગત્ તા. 30ના રોજ સવારના સમયે જુમા દોસમામદ ખફી, આરીફ જુમા ખફી નામના પિતા-પુત્રએ સ્વિફ્ટ કારમાં આવીને બાઇક પર નીકળેલા યુવાનને સામુ કેમ જૂએ છે? તેમ કહી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ યુવાનના ઘર પાસે આવી આરીફ જુમાએ યુવાનની પત્નીને કહ્યું કે, “તું હવે અહીંયા રહીને દેખાડ અને તારે વિડિયો ઉતારવા હોય તો ઉતાર. હવે છેલ્લાં વિડિયો ઉતારી લે. તારૂં પુરૂ કરી નાખવું છે.”
આ બનાવ અંગેની અહેમદ રઝા દ્વારા જાણ કરાતા એએસઆઇ એન. કે. ઝાલા તથા સ્ટાફએ પિતા-પુત્ર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


