જામનગર જિલ્લાના સિકકા પાટિયા નજીક ખાનગી કંપનીમાંથી કામ પૂર્ણ કરી ઘર તરફ જતાં યુવાને કાર સરખી ચલાવવાનું કહેતાં પાંચ શખ્સોએ યુવાનને આંતરીને ઢીકાપાટુનો માર મારી છરી બતાવી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના બાલંભડી ગામમાં રહેતો અજયસિંહ ખુમાનસિંહ જાડેજા (ઉ.વ.28) નામનો યુવાન ગત્ તા. 02ના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં ખાનગી કંપનીમાંથી તેનું કામ પૂર્ણ કરી ઘર તરફ જતો હતો ત્યારે આમરા ગામના પાદરમાં સફેદ કલરની, નંબર પ્લેટ વગરની કારના ચાલકે અજયસિંહની બાજુમાં આવી કાવો મારતા અજયસિંહએ કાર સરખી ચલાવવાનું કહેતાં કારમાંથી ઉતરેલા પ્રદીપસિંહ ગીરૂભા જાડેજા, લાલો ઉર્ફે ઢીંગલી અને ત્રણ અજાણ્યા સહિતના પાંચ શખ્સોએ કારમાંથી ઉતરીને છરી બતાવી, જેમ ફાવે તેમ ગાળો કાઢીને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે એએસઆઇ સી. ટી. પરમાર તથા સ્ટાફએ મોટરકારના ચાલક સહિત પાંચ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


