જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા જામનગર મહાનગરપાલિકાના સોનલનગર ખાતે રહેલ ગાર્ડન રીર્ઝવ પ્લોટ પર અનોખો બાગ બગીચો બનાવાયો છે. અંદાજિત 10 એકર જેટલી જગ્યામાં જામનગરના લોકસ્વાસ્થ્યને સુધારવા, ધ્યાન-પ્રાણાયામ અને આશન કરવા, વાતાવરણને શુદ્ધ કરવા, જૈવવિવિધતા સંતુલિત કરવા જેવા બહુઆયામી ઉદ્દેશ્યોને પાર પાડતા આ સહજ વન જામનગર માટે યશસ્વી કલ્પનામાં સોનેરી પીંછા સમાન છે.
જૈવવિવિધતા ઉદ્યાન અને ડેન્સ ફોરેસ્ટ્રેશન મોડેલ દ્વારા શહેરી વિસ્તારમાં વનોનું નિર્માણ કરીને, જામનગરના નાગરિકો માટે શહેરી પર્યાવરણ સુધારણાનું પગલું ભરાયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યૂટે વૃક્ષો અને છોડના રોપણ, ઉછેર અને જાળવણીની ત્રણ વર્ષ સુધી સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે, જામનગરના સોનલ નગર સ્થિત બનાવાયેલા અનોખા બગીચામાં સંસ્થા નાના નાના અવેરનેશ કેમ્પ, ધ્યાનના કાર્યક્રમો, કુદરતી શિક્ષણના કાર્યો જેવા અનેક બિન-વ્યાપારીક પ્રવૃત્તિઓ સતત ચાલુ જ રહે છે.
આ ગાર્ડન પ્લોટ પર જામનગર મહાનગરપાલિકા દ્વારા અતિ મહત્વનો સહયોગ જેવો કે, પાણી અને સુરક્ષા માટે ચેન લિન્ક ફેન્સીંગ અને ચોકીદાર કેબિન પૂરી પાડવામાં આવી રહ્યો છે અને તમામ ત્રણેય વનો ખાતે પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન તૈયાર પર વોકવે, ધ્યાન ઝોન, યોગા ઝોન, આરામ વિસ્તાર, નાની વોટર બોડી, બાળકોને રમવાની જગ્યાઓ, ગેઝેબો, રેસ્ટરૂમ્સ જેવી જરૂરી નાગરિક સુવિધાઓ તૈયાર થઈ રહી છે અને પૂર્ણ થયે શહેરની જનતાને હરવા- ફરવા માટે નવા ત્રણ રમણીય સ્થળો ઉપલબ્ધ થશે અને ભવિષ્યમાં આ જાહેર-ખાનગી ભાગીદારીનું ઉત્તમ મોડેલ બન્યું છે.તેમ મુલાકાત લેતા જામનગરના સ્થાનિક કમલેશભાઈ પંડ્યા અને મમતાબેન સોલંકીએ જણાવ્યું હતું.

અહીં સૌ વૃક્ષો-છોડના સાથે અને વિકાસ માટે યોગ્ય અંતર તેમજ એકબીજાને ઉપયોગી વૃક્ષ-છોડનું વાવેતર કરાયું છે. હાર્ટફુલનેસ ઇકોલોજીકલ ડિઝાઇન ફ્રેમવર્ક અનુસાર ઉપરની કેનોપી (મોટા વૃક્ષો), મધ્ય કેનોપી (મધ્યમ વૃક્ષો) અને અંડરસ્ટોરી (ઝાડીઓ)નું સ્તરીય મિશ્રણ કરીને જૈવવિવિધતા વધારી છે.
આ વૃક્ષોમાં વિશેષ કરીને ઊંચા, મધ્યમ અને ઓછી ઊંચાઈવાળા એમ ત્રણ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરીને ઉછેર કરાયો છે, જેથી ગરમીથી રક્ષણ, પક્ષીઓ માટે આશ્રય તેમજ માટીની ગુણવત્તા અને જમીનના ભેજને પોષણ મળે. દરેક છોડને જીવનનો અધિકાર મળે તેવા આશયથી પ્રત્યેક વૃક્ષ-છોડ વચ્ચે 3-5 ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે, જેથી મિત્ર પ્રજાતિઓના સંયોજનથી પરસ્પર સૌની વૃદ્ધિ થાય. વાવેતર માટે ખાડા, પાંચ સ્તરના માટી મિશ્રણ (ટોપસોઈલ, કમ્પોસ્ટ, બ્લેક કોટન સોઇલ, નીમ પાવડર), વર્મી કમ્પોસ્ટ, બાયોચાર અને હાઇડ્રોજેલનો ઉપયોગ કરાયો છે. આ પહેલથી ત્રણ શહેરી પ્લોટને જંગલોમાં પુનજીર્વિત કરાયા છે, જે સ્થાનિક જૈવવિવિધતા અને જાહેર સુખાકારીને લાભ આપે છે.
આ હરિયાળું સ્થળ નિર્માણ કરવા માટે માટીને કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ અને જીવામૃતમથી સમુદ્ધ બનાવવામાં આવી છે, તેમજ પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે માઇક્રો-સિંચાઈ પદ્ધતિ (સપ્તાહમાં બે વાર ટપક અને એક વાર વરસાદી) અપનાવાઈ છે. અહીં કુલ 60થી વધુ પ્રકારના દુર્લભ – રેર, સંકટગ્રસ્ત-એન્ડેન્જર્ડ અને નાશના આરે ઊભેલા – વનરેબલ વૃક્ષો-છોડનું વાવેતર કરાયું છે, જેમાં એડનસોનિયા ડીજીટાટા – રૂખડો, એડિના કોર્ડિફોલિયા (હલદુ), બેરિંગ્ટોનિયા એશિયાટિકા (ફિશ પોઈઝન ટ્રી), ફિકસ કૃષ્ણા (ક્રુષ્ણ વડ), સફેદ પીપળો (વ્હાઈટ પીપળ), ડુરિયો ઝિબેથિનસ (ડુરિયન), બુટિયા મોનોસ્પર્મા (વ્હાઇટ પાલાશ), બુટિયા વર્ગાટા (યેલો પાલાશ), ઇયુકેલિપ્ટસ ડીએન્ડી (રેઇનબો યુકેલિપ્ટસ), એઇગ્લે માર્મેલોસ (વન લીફ બિલ્વ), બુહાનિયા ટમટોસા – રેડ (લાલ કાચનાર), એન્થોસેફાલસ કદમ્બા (રેડ કદંબ), સેલિસ ટેટુડા (ઇન્ડિયન વિલો), ડેસ્મોડીયમ ગાયનેટી (ટેલિગ્રાફ પ્લાન્ટ), આલ્સ્ટોનિયા શોલારિસ (ડેવિલ ટ્રી), સીબા સ્પેશિઓશા (સિલ્ક ફ્લોસ ટ્રી), બોમ્બેક્ષ ઇનસીઝ (સોવિ સિલ્ક કોટન ટ્રી) જેવી બીજી અનેક પ્રજાતિઓનો સમાવેશ થાય છે જે જામનગર અને ગુજરાતમાં પણ દુર્લભ છે.
આ મહત્વાકાંક્ષી કાર્યને પૂર્ણ કરવા અર્થે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે, જેમાં ક્યારેક પૂર તો ક્યારેક પાણીની તંગી અને ક્યારેક લોકોનો અનિધકૃત ઉપયોગ, અને અપર્યાપ્ત માનવબળ જેવા અનેક કારણો નો સમાવેશ થાય છે છતાં સ્વયંસેવકોની અથાગ મહેનત, ખૂબ જ આયોજનપૂર્વક સિંચાઈ વ્યવસ્થા તેમજ વિવિધ માટીઓના મિશ્રણ (એપ્સમ સોલ્ટ, અનરિફાઇન્ડ સોલ્ટ, સીવીડ ફર્ટિલાઇઝર, વર્મીકમોસ્ટ, ફૂડ વેસ્ટ મેન્યુર નીમ કેક, હાઈડ્રો જેલથી એક હરિયાળું, રમણીય અને ઓક્સિજન પાર્ક સમાન એક-બે નહીં, પરંતુ ત્રણ સ્થળોનું નિર્માણ થયું છે. જેમાં 90%થી વધુ સર્વાઇવલ રેટ છે. યાત્રા અહીંથી અટકતી નથી, પરંતુ ભવિષ્યમાં અહી પક્ષી ગણતરી અને તેનું દસ્તાવેજીકરણ તથા અહીં વાવેતર થયેલ વૃક્ષ અને છોડના ફળ અને ફૂલોનું દસ્તાવેજીકરણ, ભૂગર્ભજળ રિચાર્જ તથા મોનિટરિંગ અને શહેરની જૈવિવિવિધતા યોજનાઓ સાથે સંકલન જેવા આવશ્યક કાર્યો પણ આ માધ્યમથી શક્ય બનશે. સહજ વનનું લક્ષ્ય જામનગરને એક ટકાઉ અર્બન ફોરેસ્ટ્રીનું રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક મોડેલ બનાવવાનું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી બનાવાયેલા આ સહજ વનમાં પ્રત્યેક વૃક્ષ-છોડને ટપક સિંચાઈ દ્વારા તેમજ દરેક પ્લોટ પર વરસાદી પાણીનું સિંચન કરવામાં આવે છે, એટલું જ નહીં, પરંતુ વૃક્ષોના નિષ્ણાતો દ્વારા સમયાંતરે પ્રત્યેક વૃક્ષનું ઓડિટ પણ કરાય છે અને માસિક માટીની હેરફેર, નીંદણ, મલ્ટિંગ અને વગેરે જેવા કાર્યોની સમીક્ષા થાય છે. જેથી જામનગરને અનોખું અલભ્ય ઓક્સિજન વન પ્રાપ્ત થયું છે.


