જામનગર વોર્ડ નં.12ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા કોંગ્રેસના સભ્યપદ તેમજ તમામ હોદાઓ પરથી રાજીનામુ આપતા જામનગરમાં શિયાળામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પક્ષમાં આંતરિક વિખવાદ સહિતની બાબતો તેમણે આપેલા રાજીનામામાં જણાવાય છે.
જામનગરમાં કોંગ્રેસ પક્ષમાં આંતરીક વિખવાદ હોવાનું ફરી એક વખત સામે આવ્યું છે. વોર્ડ નં.12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામુ આપતા જામનગરમાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસપક્ષમાં આંતરીક વિખવાદ સહિતની બાબતો જેનબબેન દ્વારા જણાવામાં આવે છે અને પક્ષના તમામ હોદાઓ પરથી રાજીનામુ ધરી દીધું છે. આગામી સમયમાં આવનારી જામનગર મહાનગરપાલિકાની ચુંટણી પૂર્વે કોંગ્રેસના કોર્પોરેટર અને અગ્રણી મહિલા નેતાના રાજીનામાથી જામનગરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
જામનગર વોર્ડ નં.12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફી દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા)ને આપેલ રાજીનામામાં જણાવ્યું છે કે ‘છેલ્લા 20 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે વફાદારી પૂર્વક જોડાયેલી છું પરંતુ કોંગ્રેસ પક્ષમાં હાલમાં અંદરો-અંદરની લડાઇઓ, હુસ્સા તુસ્સી તેમજ જીહુજીરીનું મહત્વ વધતુ જાય છે તેમજ પક્ષની વિચારધારાને અવગણીને વ્યકિતગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. જામનગર શહેર કોંગ્રેસમાં વ્યકિતગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પક્ષમાં સક્રિયપણાથી કાર્ય કરવું હવે શકય નથી. જેથી આ કઠોર પરંતુ જરૂરી નિર્ણય લઇ રહી છું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તમામ પદો પરથી આજરોજ રાજીનામુ આપુ છું.’


