Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમો પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યવાહી - VIDEO

જામનગરમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમો પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કાર્યવાહી – VIDEO

દરેડ પાસે ઔદ્યોગિક પ્રદૂષણ ઓકતા ચાર ગેરકાયદેસર એકમો ઝડપાયા

જામનગર જિલ્લાના દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં છેલ્લા કેટલાંક સમયથી પ્રદૂષણ સંબંધિત અનેક ફરિયાદો સતત મળી રહી હતી. સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવતી પર્યાવરણ પ્રદૂષણની ચિંતા અને ઔદ્યોગિક ગંદા પાણીના મંજુરી વગર નિકાલ અંગે મળતા સંકેતોને ધ્યાનમાં રાખીને, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા આજે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

ચેકિંગ દરમિયાન બોર્ડની ટીમે શિવમ એસ્ટેટ દરેડ નજીક ચાલી રહેલા કુલ ચાર ઇલેક્ટ્રોપ્લેટિંગ એકમો ગેરકાયદેસર રીતે સંચાલિત થઈ રહ્યા હોવાનું પકડ્યું. તપાસમાં જાણવા મળ્યું કે આ એકમોમાં ઉત્પાદન પ્રક્રિયામાંથી નીકળતું કેમિકલયુક્ત ઔદ્યોગિક ગંદું પાણી યોગ્ય ટ્રીટમેન્ટ વિના સીધું જ બહાર નિકાલ કરવામાં આવતું હતું, જે પર્યાવરણ તથા આસપાસના રહેવાસીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમરૂપ છે.

- Advertisement -

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળ પર વિગતવાર તપાસ હાથ ધરી, જરૂરી નમૂનાઓ લીધા તેમજ ગેરકાયદેસર પ્રદૂષણ પ્રવૃત્તિઓના પુરાવા એકત્રિત કર્યા. સંબંધિત એકમો સામે યોગ્ય કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તથા સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ બોર્ડની મુખ્ય કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવેલ છે. જેથી આગામી તબક્કે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી ઝડપી કરી શકાય.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે દરેડ ઉદ્યોગ નગર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આવનારા સમયમાં પણ કડક ચેકિંગ અભિયાન ચાલુ રહેશે, અને પર્યાવરણ વિરુદ્ધ ચાલતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે બોર્ડ શૂન્ય સહનશીલતા નીતિ અપનાવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular