રાજકોટ પોલીસ કન્ટ્રોલ રૂમમાં એક અજાણી વ્યક્તિએ મેસેજ કર્યો હતો કે, તેણે જામનગર સહિતના રેલવે સ્ટેશન ઉડાવી દેવાની તેમજ અલગ અલગ ટ્રેનમાં બોમ્બ પ્લાન્ટ કર્યા છે. આ મેસેજ મળતાં રાજકોટ પોલીસના અધિકારીઓએ જામનગર સહિત અન્ય જિલ્લાની પોલીસને પણ જાણ કરીને કોલ કરનાર યુવાનને મોબાઇલ લોકેશનના આધારે ટ્રેક કરીને કાલુપુર રેલવે સ્ટેશનેથી ઝડપી લીધો હતો. જામનગરના યુવકની પૂછપરછ હાથ ધરાતા તેણે હાપા માર્કેટ યાર્ડમાં મગફળીના વેચાણના પુરા ભાવ મળ્યા ન હોવાથી પિતા સાથે ઝઘડો થતાં તંત્રથી નારાજ થઇને આ આખું તરકટ રચ્યું હોવાની કેફિયત આપી હતી.
આ બનાવની વિગત મુજબ સોમવારે બપોરના સમયે રાજકોટ પોલીસ ક્ધટ્રોલ રૂમમાં અજાણ્યા મોબાઇલ નંબર પરથી એક કોલ આવ્યો હતો. જેમાં સામે છેડે રહેલા યુવકએ જણાવ્યું હતું કે, જામનગર રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાવી દેવાની સાથે સાથે રાજકોટ, ધ્રોલ, સુરેન્દ્રનગર અને વિરમગામના રેલવે સ્ટેશનને ટાર્ગેટ કર્યું હોવાની વાત જણાવી હતી. તેણે અલગ અલગ રૂટની ટ્રેનમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તેણે ફોન કટ કરી દીધો હતો. રેલવે સ્ટેશન અને ટ્રેનને ઉડાવી દેવાની ધમકીના મેસેજની ગંભીરતાને ઘ્યાને લઇ રાજકોટ પોલીસે જામનગર પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ રાજકોટ પોલીસે સુરેન્દ્રનગર અને અમદાવાદ પોલીસને એલર્ટ કરી હતી.
બીજી તરફ આ ધમકીભર્યો ફોન કરનાર યુવકનો ફોન ટ્રેક કરતાં તે અમદાવાદ જતી ટ્રેનમાં હોવાનું જાણવા મળતાં અમદાવાદ (ગ્રામ્ય) વિરમગામ ડિવિઝનના પોલીસને જાણવા મળ્યું હતું કે, ફોનનું લોકેશન કાલુપુર પોલીસ સ્ટેશન છે. જેથી સ્થાનિક પોલીસને સાથે રાખીને એક શકમંદને ઝડપી લેવાયો હતો. આ પૂછપરછમાં તેણે પોતાનું નામ રવિરાજસિંહ જાડેજા અને જામનગરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તેના પિતા રણજિતસિંહ સાથે તે હાપા માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા ગયો હતો. જ્યાં મગફળીના પૂરતા ભાવ ન આવતાં માર્કેટ યાર્ડના સંચાલકો સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં તેણે પોતાના પિતા સાથે પણ રકઝક કરી હતી. જેથી પિતાએ તેને માર માર્યો હતો. આ બાબતથી લાગી આવતા તેણે તંત્રને સબક શિખડાવવા માટે જામનગર રેલવે સ્ટેશનેથી ટ્રેનમાં બેસી ફોન કરી આખું તરકટ રચ્યું હતું.
આ અંગે વિરમગામ ડિવિઝનના ડીવાયએસપી તપનસિંહ ડોડિયાએ જણાવ્યુ હતું કે, આ મામલે યુવક તથા તેના પરિવારની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં યુવક માનસિક બિમાર હોવાનું જણાવવામાં આવ્યું છે.


