જામજોધપુર તાલુકાના પરડવા ગામના સીમ વિસ્તારમાં ખેત મજૂરીકામ કરતાં યુવાન ઉપર તેની પત્ની અને સાળાએ લાકડાંના ધોકા વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવી લાશને કોથળામાં નાખી પથ્થર સાથે બાંધી કૂવામાં ફેંકી દીધી હતી. હત્યાના બનાવમાં આગલા ઘરની પુત્રી સાથે અડપલાં કરતો હોવાના કારણે ભાઇ-બહેનએ યુવાનનું કાસળ કાઢી નાખ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના પરડવા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતાં સોહમ ઉર્ફે કાળુ રામકિશન ભાભોર નામનો યુવાન થોડાંક દિવસથી લાપત્તા થઇ ગયો હતો. આ યુવાનની પત્ની રાધાબેન તથા રાધાબેનનો ભાઇ પતલસિંગ ઉર્ફે રાહુલ ગુલસિંગ ધારવે નામના બન્ને ભાઇ-બહેનએ સોહમ વતનમાં ગયો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત વાડીમાલિકને વાડીમાં આવેલા કૂવામાં અજગર નીકળે છે તેવા બહાના બતાવી બીજી વાડીમાં કામ કરવા જતાં રહ્યાં હતાં. દરમ્યાન ગત્ તા. 29ની રાત્રિના સમયે નાગાભાઇ ભીખાભાઇ જાડેજા નામના ખેડૂતના ખેતરમાંથી અસહ્ય દૂર્ગંધ આવતી હોવાની જાણ કરાતા પીઆઇ એ. એસ. રબારી તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ખેતરના કૂવામાં તપાસ કરતાં પથ્થર સાથે બાંધેલો કોથળો મળી આવતા બહાર કાઢયો હતો.
ત્યારબાદ પોલીસે કોથળો ખોલતાં કોથળામાંથી કોહવાઇ ગયેલી લાશ મળી આવી હતી. આ લાશ સોહમ રામકિશન ભાભોરની હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે અન્ય ખેતરમાં કામ કરતી રાધાબેન તથા પતલસિંગને બોલાવી મૃતદેહની ઓળખ કરાવતાં મૃતદેહ સોહમનો હોવાની ઓળખ થઇ હતી. જેથી પોલીસે પ્રાથમિક તપાસમાં મૃતકની પત્ની અને સાળાની આકરી પૂછપરછ કરતાં બન્ને પોલીસ પાસે ભાંગી પડયા હતા. મૃતકની પત્ની રાધાએ આપેલી કેફિયતમાં સોહમના રાધા સાથે લગ્ન પહેલાં અગાઉ પણ લગ્ન થયા હતા. અને રાધાના અગાઉના લગ્નજીવન દરમ્યાન તેને બે પુત્રીઓ થઇ હતી. બનાવની આગલી રાત્રે રાધાના આગલા ઘરની પુત્રીઓને સોહમ અડપલાં કરી હેરાન પરેશાન કરતો હતો. પુત્રીઓની સાથે અડપલાં કરતો હોવાથી આશરે 20 દિવસ પહેલાં રાધા તથા તેના ભાઇ પતલસિંગએ ઉશ્કેરાઇને લાકડાના ધોકા વડે સોહમ ઉપર જીવલેણ હુમલો કરી પતાવી દીધો હતો. સોહમની હત્યા નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને કોથળામાં નાખીને કૂવામાં ફેંકી દીધો હોવાનું અને ત્યારબાદ બન્ને બીજા ખેતરમાં મજૂરી કરવા ચાલ્યા ગયા હોવાની કેફિયત આપતા પોલીસે વાડીમાલિક નાગાભાઇ જાડેજાના નિવેદનના આધારે રાધા અને તેના ભાઇ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે, જામજોધપુર પંથકમાં માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા નિપજાવ્યાના બનાવની શાહી સૂકાઇ નથી ત્યાં આ પરડવા ગામની સીમમાં બીજી હત્યાનો બનાવ બનતા પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે.


