જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ પ. પૂ. વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ શ્રી ગીતા વિદ્યાલય ધર્મક્ષેત્ર માં આ વર્ષે ૫૧મો શ્રી ગીતા જ્યંતી મહોત્સવ ભવ્યતા સાથે ઉજવાયો. બે દિવસ તા. ૩૦ નવેમ્બર અને ૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલેલા આ મહોત્સવમાં ભક્તિ, આધ્યાત્મિકતા અને ગીતા જ્ઞાનનો સંગમ સર્જાયો હતો.
આજે શ્રી ગીતા જ્યંતિના પાવન દિવસે જાણિતા કથાકાર અને વિશ્વભરમાં ગીતા પ્રેમ જગાવનારા પૂજ્ય મોરારી બાપુ દર વર્ષની માફક આ વર્ષે પણ જોડિયાધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બાપુએ ગૌરવશાળી ગીતા જ્ઞાનનું “મંગલ સંદેશ” આપીને સમગ્ર સમાજને કૃતાર્થ બનાવ્યો હતો.
વિશ્વમાં એકમાત્ર એવો ગ્રંથ જેની જયંતિ ઉજવાય છે, શ્રીમદ્ ભગવદ ગીતા, તેની આ પવિત્ર ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક ગામજનો, ભાવિકો, ગીતા વિદ્યાલયના વિદ્યાર્થીઓ, મહંતો, સંતો અને શ્રોતાઓએ હાજરી આપી આ પવિત્ર ક્ષણના સાક્ષી બન્યા હતા.
મહોત્સવ દરમિયાન ધર્મક્ષેત્રમાં વહેલી સવારે વિશ્વ કલ્યાણ હવનાત્મક પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગીતા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સામૂહિક ગીતા પાઠ દ્વારા પવિત્ર વાતાવરણને વધુ પવિત્ર બનાવ્યું હતું. આનંદ-શાંતિથી ભરપૂર આ ક્ષણે દરેક ભાવિકોમાં ગીતા પ્રત્યેનો શ્રદ્ધાભાવ વધુ ગાઢ થયો હતો.
મહોત્સવ દરમ્યાન સંતો, કથાકારો અને મહંતો દ્વારા સત્સંગ, પ્રવચન અને ગીતા જ્ઞાનના ઉપદેશો આપવામાં આવ્યા હતા. ગીતા જ્યંતિના પવિત્ર પર્વને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શાસ્ત્રીય રીતે ઉજવવા માટેના તમામ કાર્યક્રમો શિસ્તબદ્ધ અને સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યા હતા.
શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ અને શ્રી ગીતા વિદ્યાલય તરફથી જાણાવવામાં આવ્યું હતું કે દર વર્ષની જેમ આગામી વર્ષે પણ ગીતા જ્યંતિ મહોત્સવ આ જ પવિત્ર પરંપરા અને આધ્યાત્મિક ભાવના સાથે યોજાશે.
જોડિયાધામ ધર્મક્ષેત્ર આજના દિવસે પૂજ્ય મોરારી બાપુના પાવન ઉપસ્થિતિથી ઝળહળી ઉઠ્યું હતું અને હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિએ આ ગીતા જ્ઞાનયજ્ઞને અખંડ મહિમાવંત બનાવ્યો હતો.


