Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસંસદના શિયાળુ સત્રનો પ્રારંભ

સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ

વિપક્ષ પરાજયની નિરાશાથી બહાર નિકળે - મોદી : પ્રધાનમંત્રીએ કહ્યું સંસદમાં ડ્રામા નહીં, ડિલીવરી હોવી જોઈએ: 19 ડિસેમ્બર સુધી ચાલશે સત્ર : સરકાર એક ડઝન જેટલા બિલ રજૂ કરશે : વિપક્ષ દ્વારા SIR, વોટચોરી, બીએલઓના મોત જેવા મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરાશે

આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે. 19 ડિસેમ્બર સુધી ચાલનારૂં આ શિયાળુ સત્ર ઇતિહાસનું સૌથી ટૂંકું સત્ર રહેશે. આ શિયાળુ સત્રના પ્રારંભ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગૃહની બહાર મિડીયાને સંબોધન કર્યુ હતું. ત્યારબાદ તેમણે રાજયસભામાં પણ સંબોધન કર્યુ હતું. સંસદના આ શિયાળુ સત્રમાં સરકાર તરફથી એક ડઝન જેટલાં બિલ રજુ કરવામાં આવશે. જયારે વિપક્ષ દ્વારા સર સહિતના મુદ્ે સરકારને ઘેરવાની તૈયારી કરવામાં આવી છે. પીએમએ કહ્યું, કેટલાક પક્ષો તેમની ચૂંટણીની હાર પચાવી શકતા નથી. એક કે બે પક્ષો બિહારના પરિણામોથી આગળ વધી શકતા નથી. સંસદનું આ સત્ર હાર પર હતાશાનું કેન્દ્ર ન બનવું જોઈએ. સંસદમાં ડ્રામા નહીં, ડિલીવરી હોવી જોઈએ.

- Advertisement -

શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે સાબિત કર્યું છે કે ડેમોક્રેસી કેન ડિલીવર. તેમણે કહ્યું કે આ સત્ર વિકસિત ભારતના લક્ષ્યને વધુ ઉર્જાવાન બનાવવાની તક છે. પીએમ મોદીએ વિપક્ષને હારની નિરાશાને દૂર કરવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે આ સત્ર હારની હતાશા અથવા જીતના ઘમંડનું મેદાન ન બનવું જોઈએ. નવી પેઢીને અનુભવનો લાભ મળવો જોઈએ. અહીં ડ્રામા નહીં, પરંતુ ડિલિવરી હોવી જોઈએ. રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા થવી જોઈએ.

શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસના સત્રમાં 15 બેઠકો યોજાશે. આ દરમિયાન એટોમિક એનર્જી બિલ સહિત 10 નવા બિલ રજૂ થઈ શકે છે. સત્રના પહેલા દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સરકાર કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક (સુધારા) વિધેયક, 2025 અને સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક, 2025 રજૂ કરશે. તેમજ, બંને ગૃહોમાં 7 રાજ્યોમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન મામલે હોબાળો થઈ શકે છે.

- Advertisement -

વિપક્ષ સતત એસઆઇઆરને લઈને સરકાર પર આક્રમક છે. એસઆઇઆરના કામમાં લાગેલા બીએલઓના મૃત્યુનો મુદ્દો પણ ઉઠી શકે છે. આરોપ છે કે વધુ દબાણને કારણે BLO આત્મહત્યા કરી રહ્યા છે અથવા તેમનું મૃત્યુ થઈ રહ્યું છે.

બિહાર ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએની રેકોર્ડ જીત બાદ વિપક્ષ ફરી એકવાર વોટ ચોરીનો મુદ્દો ઉઠાવી શકે છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી પંચ પર આક્રમક છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિપક્ષ આ સત્રમાં CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પણ લાવી શકે છે.

- Advertisement -

અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગને લઈને બનાવવામાં આવેલી સ્પેશિયલ કમિટી પણ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. જસ્ટિસ વર્માના બંગલા પર બનેલા સર્વન્ટ ક્વાર્ટરથી 14 માર્ચે સળગેલી નોટોના બંડલો મળી આવ્યા હતા.

આ ઉપરાંત, સરકાર દિલ્હીમાં 10 નવેમ્બરે થયેલા બ્લાસ્ટ અંગે પણ ચર્ચા કરી શકે છે. વિપક્ષ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવી શકે છે. તેમજ, રાહુલ અને સોનિયા ગાંધી પર નેશનલ હેરાલ્ડ કેસમાં નોંધાયેલી નવી FIR અને દિલ્હીમાં પ્રદૂષણ તથા નવા લેબર લોને લઈને પણ હોબાળાની શક્યતા છે.

શિયાળુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિપક્ષના તમામ સીનિયર નેતાઓ હાજર રહ્યા હતા. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, અમે વિપક્ષી પક્ષોની વાત સાંભળીશું. આ શિયાળુ સત્ર છે. અમને આશા છે કે દરેક વ્યક્તિ ઠંડુ મગજ રાખશે અને ગરમાગરમ દલીલો ટાળશે. SIR મુદ્દા પર, રિજિજુએ કહ્યું, હું કહી શકતો નથી કે અમે ચર્ચા માટે કયા મુદ્દાઓ ઉઠાવીશું. ચૂંટણી પંચ તેનું કામ કરે છે. હું ચૂંટણી પંચનો પ્રવક્તા નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular