ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામમાં રહેતા યુવાનએ વેચવા આપેલ માલના પૈસા નહી ચૂકવીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા બદલ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ગંભીરસિંહ રામસંગજી જાડેજા નામના 48 વર્ષના યુવાન છેલ્લા ઘણા વર્ષોથી ખંભાળિયાના મનોજભાઈ જેન્તીભાઈ નામના એક વેપારી યુવાન સાથે વિવિધ પ્રકારની લે-વેચ અને વેપાર કરતા હતા. છેલ્લા આશરે ત્રણેક વર્ષથી ફરિયાદી ગંભીરસિંહ તેમજ અન્ય સાહેદો પણ મનોજભાઈને પોતાના ઘઉં, ચણા, મગફળી, ધાણા, વિગેરેનું વેચાણ કરતા હતા અને તે દર વર્ષે તેઓને થોડા દિવસ પછી આ ખેત પેદાશોના પૈસા આપી જતા હતા. જેથી ફરિયાદી ગંભીરસિંહ જાડેજા તેમજ અન્ય સાહેદોને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો.
આ વચ્ચે થોડા સમય પૂર્વે ફરિયાદીએ રૂપિયા 2,92,400ની કિંમતના 272 મણ ચણા તેમજ અન્ય સાહેદોએ પણ ચણા, મગફળી, ઘઉં, ધાણા વિગેરે મળી, રૂ. 8,20,000ની ખેત જણસ તેમને વેચવા માટે આપી હતી. પરંતુ મનોજભાઈએ ઉપરોક્ત આસામીઓને તેમની રકમ નહીં આપી અને કુલ રૂપિયા 11,12,400ની છેતરપિંડી કરી, વિશ્ર્વાસઘાત કરવા સબબ સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે અંગે આગળની તપાસ પી.આઈ. વી.એ. રાણા દ્વારા હાથ કરવામાં આવી છે.


