પ્રાચીન દ્વારિકા શહેર વિશે વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત માહિતી બહાર લાવવા ભારતીય સર્વેક્ષણ વિભાગ તથા પુરાતત્ત્વ વિભાગ દ્વારા વ્યાપક સ્તરે સંશોધન કામગીરીની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. માન્યતા મુજબ દ્વારિકા, બેટ દ્વારકા અને ગોમતી નદીનો આસપાસનો વિસ્તાર આશરે ચાર હજાર વર્ષ જૂનો છે, અને આ ઐતિહાસિક સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને હવે અનેક વિસ્તારોમાં એકસાથે સર્વે અને સંશોધન અભ્યાસ શરૂ કરાયો છે. ખાસ કરીને પુરાતત્ત્વ વિભાગની વિશેષ તાલીમ પ્રાપ્ત અન્ડરવોટર ડાઇવિંગ (સ્કુબા) ટીમ સમુદ્રની ઊંડાઈમાં જઈ પ્રાચીન દ્વારિકાના સંભવિત અવશેષો, બંધાણીઓ અને ઐતિહાસિક નિર્માણોની શોધ કરશે. સમુદ્રજળની અંદર રહેલી સંરચનાઓ, પથ્થરની દિવાલો, થાંભલા, માર્ગચિહ્નો તથા ભૂતકાળના શહેરની રચના તરફ સંકેત આપતા પુરાવાઓનું અત્યાધુનિક પદ્ધતિઓથી વૈજ્ઞાનિક નિરીક્ષણ થશે.
અગાઉ દ્વારિકામાં કેટલીકવાર પુરાતત્ત્વીય કોશિશો થઈ હતી, પરંતુ આ વખતે સંશોધન પ્રક્રિયાને વધુ વ્યાપક બનાવવા માટે અદ્યતન ટેક્નોલોજીની મદદ લેવામાં આવી છે. અન્ડરવોટર ઇમેજિંગ, ડીપ સ્કેનિંગ, 3D મેપિંગ, ડિજિટલ રિક્ધસ્ટ્રક્શન અને જીઆઇએસ આધારિત સર્વે જેવી સુવિધાઓથી સંશોધનને વધુ સચોટ અને વિશ્વસનીય બનાવવામાં આવશે. પ્રાચીન શહેરના ડૂબેલા ભાગોના નકશાંકનથી દ્વારિકાનો વાસ્તવિક આકારને સમજવાની વધુ તક મળશે.
View this post on Instagram
વિસ્તૃત અભ્યાસથી સમુદ્રમાં ડૂબેલી દ્વારિકાના સાચા સ્વરૂપ અંગે નવી માહિતી પ્રકાશમાં આવી શકે છે. સાથે જ ચાર હજાર વર્ષ જૂના શહેરના અવશેષોનું વૈજ્ઞાનિક પ્રમાણિકરણ, સમુદ્રસ્તરની પ્રાચીન અવસ્થાઓ, ભૂકંપીય પરિવર્તનો અને કુદરતી ઘટનાઓને કારણે શહેરના સમુદ્રમાં સમાઈ જવાની શક્યતાઓ વિશે વધુ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થશે. દ્વારિકા, બેટ દ્વારકા અને ગોમતી નદી કાંઠાના વિસ્તારોમાં પણ પુરાતત્ત્વીય ધરોવર શોધવા માટે અત્યંત વિગતવાર અભ્યાસ હાથ ધરાયો છે.
નવા ટેક્નોલોજીકલ સાધનો, અનુભવી નિષ્ણાતોની ટીમ અને બહુમુખી અભ્યાસની પ્રક્રિયા સાથે શરૂ કરાયેલું આ સંશોધન ભવિષ્યમાં દ્વારિકાના ઐતિહાસિક રહસ્યો અને તેના સમુદ્રગર્ભમાં વિલુપ્ત થવાની પ્રક્રિયા ઉપર મહત્વપૂર્ણ પ્રકાશ પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


