સંસદના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવનાને વાંચન સાથે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ પ્રસ્તાવના વાંચી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહયા હતા અને 9 ભાષાઓમાં બંધારણના અનુવાદોનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને પત્ર લખ્યો હતો. પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમની બંધારણીય ફરજો પૂર્ણ કરવા વિનંતી કરી હતી, કારણ કે આ એક મજબૂત લોકશાહીનો પાયો છે.આ પત્રમાં, પીએમએ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવાની જવાબદારી પર વધુ ભાર મૂકયો હતો. તેમણે સૂચન કર્યું હતું કે શાળાઓ અને કોલેજો 18 વર્ષની ઉંમર પ્રાપ્ત કરનારા અને પહેલી વાર મતદાતા બનેલા યુવાનોનું સન્માન કરીને બંધારણ દિવસની ઉજવણી કરે. પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા ગાંધીના વિચારને યાદ કર્યો કે અધિકારો ફરજોની પરિપૂર્ણતામાંથી ઉદ્ભવે છે.
તેમણે કહ્યું કે ફરજોની પરિપૂર્ણતા એ સામાજિક અને આર્થિક પ્રગતિનો પાયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે લેવામાં આવેલા નિર્ણયો અને નીતિઓ ભવિષ્યની પેઢીઓના જીવનને આકાર આપશે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ વિકસિત ભારતના સંકલ્પ તરફ આગળ વધતાં પોતાની ફરજોને સર્વોપરી રાખે.


