જામનગર શહેરમાં તળાવની પાળ, બજરંગ હોટલ પાસે મદ્યરાત્રિના સમયે ક્ધસ્ટ્રક્શનના વ્યવસાયી યુવક ઉપર છ શખ્સોએ ગાળો કાઢી, પાઇપ અને છરીના ઘા ઝિંકી પતાવી દેવાની ધમકી આપી રૂા. 50 હજારની કિંમતનો મોબાઇલ ફોન તોડી નાખવાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં સરૂ સેકશન રોડ પરના વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં હરદેવસિંહ ભીખુભા ભટ્ટી (ઉ.વ.22) નામના યુવકની બહેન ખુશ્બુબા ભીખુભા ભટ્ટી વિરૂઘ્ધ કિશોરસિંહ પીંગળ દ્વારા સોનાના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ દાગીના ખુશ્બુબાએ હરેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ જાડેજાને રૂા. 22 લાખમાં વેંચ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ દરમ્યાન ખુશ્બુબા પાસેથી દાગીના અને રૂા. 10 લાખ કબ્જે કર્યા હતા. આ બધા દાગીના કિશોરસિંહને તથા રૂા. 10 લાખ ખુશ્બુબાને પરત કરવા અદાલતે હુકમ કર્યો હતો. ત્યારબાદ કિશોરસિંહએ રૂપિયા અને દાગીના પરત કર્યાનો ખાર રાખી ગત્ શુક્રવારે મદ્યરાત્રિના સમયે કિશોરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ પીંગળ, મયૂર રામાવત, ચિરાગ ભાનુશાળી, વંશરાજસિંહ રૂપસંગ પીંગળ, દુષ્યંતસિંહ ભરતસિંહ પીંગળ અને મીતરાજસિંહ રૂપસંગ પીંગળ સહિતના 6 શખ્સોએ એકસંપ કરી, પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા.
શુક્રવારે રાત્રિના સમયે 6 શખ્સોએ લોખંડના પાઇપ વડે તથા છરીના ઘા ઝિંકી યુવકને પછાડી દઇ ઇજા પહોંચાડી હતી. ઉપરાંત સાયકલ ચકાવાળા પાઇપ વડે હુમલો કરી યુવકનો રૂા. 50 હજારની કિંમતનો સેમસંગ ફોન તોડી નાખી, મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા હરદેવસિંહને ભટ્ટીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફે 6 શખ્સો વિરૂઘ્ધ હુમલો અને ધમકી અંગેનો ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ આરંભી હતી.


