કાલાવડ તાલુકાના પીઠડિયા 1 ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરમાં રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જવાથી બેશુદ્ધ થઇ જતાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના પુત્રનું મોત નિપજયું હતું.
આ બનાવની મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબવા જિલ્લાના રાણાપુર તાલુકાના ભુતફલિયા ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીઠડિયા 1 ગામની સીમમાં આવેલા મયનભાઇ દોમડિયાના ખેતરમાં મજૂરીકામ કરતાં રાજેશભાઇ ચંદુભાઇ વસુલિયા નામના ખેતમજૂરનો પુત્ર મયુર (ઉ.વ. 1ાા) નામનો માસુમ બાળક શુક્રવારે સવારે ખેતરમાં રમતો હતો. તે દરમ્યાન રમતાં રમતાં પાણી ભરેલી ડોલમાં પડી જતાં ડૂબી જવાથી બેશુદ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ બાળકને તાત્કાલિક રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા કરાયેલી જાણના આધારે હે.કો. એમ. જે. છૈયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


