જામનગર શહેરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રીજના લોકાર્પણ માટે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી આવનાર હોય જેથી મુખ્યમંત્રીના આગમન પહેલાં સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક માટે અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રીજ જામનગર શહેરમાં નિર્માણ થયો છે. આશરે 227 કરોડના ખર્ચે બનેલા સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીના ફ્લાયઓવરનું ગત્ તા. 20ના રોજ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર હતું, પરંતુ મુખ્યમંત્રી બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમારની શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત હોવાથી આ લોકાર્પણ મોકૂફ રાખવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ ઓવરબ્રીજનું લોકાર્પણ આગામી તા. 24ના સોમવારે સવારે 10.00 કલાકે ધન્વન્તરી ઓડિટોરિયમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અઘ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા જામનગરના ફ્લાયઓવરને જામનગરની પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ લોકાર્પણ પહેલાં મહાનગરપાલિકાના કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી. એન. મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ દ્વારા આજે સવારે પૂલનું નિરીક્ષણ કરી સુરક્ષા વ્યવસ્થા અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોઇ ક્ષતિ ન રહી જાય તે માટેની વ્યવસ્થા તેમજ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


