જામનગર શહેરના સાતરસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીના ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે, અને સંભવિત આગામી 24મી તારીખના સોમવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખુલ્લો મુકાવી દેવામાં આવશે, જેની તૈયારીઓ અગાઉથી જ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.
આ ફલાય ઓવર બ્રિજ ને શરુ કરવા માટે રૂ. 139.00 કરોડ ની પ્રોજેક્ટ કોસ્ટ સાથેની ટેન્ડર પ્રક્રિયાઓ થઈ હતી, અને 39 ટકા ઓન સાથે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો પુલ બની જાય તે માટે રૂા. 195.50 કરોડ નો વધારો કરીને રિવાઈઝડ 226.99 કરોડ ના ખર્ચે તૈયાર કરી લેવાયો છે. આ ફલાયઓવર બ્રિઝ ના કામની શરુઆત 18.08.2021 મી તારીખથી થઈ હતી, અને 31.10. 2025 ના રોજ કામ પૂર્ણ થયું છે.
જામનગર શહેર માટે એક નઝરાણું કહી શકાય તેવા આ બ્રિઝ ની કુલ લંબાઈ 4225 મીટર (કુલ 4 એપ્રોચ સાથે) મુખ્ય બ્રીજ -16,50 મીટર (2 ડ્ઢ 8.25) – ફોર લેન, જેમાં ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ – 8.40 મીટર (7.50) – ટુ લેન, સાત રસ્તા સર્કલ તથા સુભાષબ્રીજ – 11.70 મીટર (10.90) – થ્રી લેન છે જ્યારે તેની ક્લીયર ઉંચાઈ 5.50 મીટર, સર્વિસ રોડની પહોળાઈ 7.50 મીટર, અને 10.0 મીટર ની છે. આ ફ્લાય ઓવર બ્રિજ તૈયાર થવાથી અનેક ફાયદાઓ થશે. જે પૈકી દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી પરીવહન થઇ શકશે. ઉપરાંત બ્રીજ નીચેના મુખ્ય ચાર જંકશન જેવા કે સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ તથા એકસીડન્ટ જેવા બનાવોમાંથી રાહત મળશે. અને ખાસ કરીને લોકોનું ઇંધણ તથા સમયની મોટી બચત થશે.
ઉપરાંત સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ નિર્માણ થવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા(ગ્રેઇન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ થશે.
નવા ફ્લાવર બ્રિજની નીચે પાર્કિંગની મોટી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. જેમાં કુલ – 61 ગાળાઓમાં 850-ટુ વ્હીલર્સ 250-ફોર વ્હીલર્સ, 100-રીક્ષા, 100- અન્ય તથા 26-બસ જેટલા પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરી લેવાઈ છે.
ઉપરાંત કુલ – 4 જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટની વ્યવસ્થા કરાઈ છે, 1- લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), અને કુલ 10 ગાળામાં સ્પોર્ટ એકટીવીટી તૈયાર થશે, જ્યારે કુલ – 4 લોકેશન પર વેઇટિંગ/સીટીંગની વ્યવસ્થા બનાવાશે, અને કુલ – 4 લોકેશન પર ફૂડ ઝોનની વ્યવસ્થા બનાવાશે. જે બ્રિજનો ઉદઘાટન થયા બાદ ક્રમશ: તમામ સુવિધાઓ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવી લેવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, નાયબ કમિશનર ભાવેશ જાની સહિતના ઉચ્ચ અધિકારીઓની દોરવણી હેઠળ સમગ્ર બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના અધિકારી રાજીવ જાની અને તેમની શાખાની સમગ્ર ટીમ ઉપરાંત મહાનગરપાલિકાની અન્ય જુદી જુદી તમામ શાખાઓનો પૂરતો સહયોગ મળી રહ્યો છે, અને સતત 51 મહિના ના અથાગ પરિશ્રમ બાદ આ ફલાયઓવર બ્રિઝ તૈયાર થયો છે, અને આગામી 24મી તારીખ ને સોમવારે નગરજનો માટે ખુલ્લો મુકાય તેવી સંભાવનાઓ છે.
જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, રાજ્ય સરકારના નવનિયુક્ત રાજ્ય મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા, વગેરે એ પણ સમયાંતરે પૂલના કામનું નિરીક્ષણ કર્યું હતું, અને જરૂરી સૂચનો કરાયા હતા.
તેઓની સાથે જામનગર મહાનગર પાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથ ના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, ઉપરાંત નગરના પૂર્વ મેયર અને શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી તથા શહેર ભાજપના અન્ય કોર્પોરેટર વગેરે પણ બ્રિઝની કામગીરીનું સમયાંતરે નિરીક્ષણ કર્યું હતું. જામનગર શહેર માટે ઐતિહાસિક કહી શકાય તેવા બ્રિજના નિર્માણમાં 90,000 ક્યુબિક ઘન મીટર સિમેન્ટનું વર્ક કરવામાં આવ્યું છે, જ્યારે 11,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, અને 51 મહિનાના અથાગ પ્રયત્નો બાદ અને હજારો માનવ કલાકની મહેનતના અંતે આખરે આ ફલાય ઓવર બ્રિઝ તૈયાર થયો છે.
સુશોભિત કરવા માટેની રોશની ઉદ્ઘાટન બાદ ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે
જામનગર શહેરની ધોરી નશ સમાન નવા ફલાય ઓવર બ્રિજના ઉદ્ઘાટન પ્રસંગે તેને રંગબેરંગી લાઈટ થી સુશોભિત બનાવાયો છે, ખાસ પ્રકારની એલ.ઇ.ડી.સ્ટ્રિપ ની મદદથી વિજપોલ શણગારવામાં આવ્યા છે, સાથો સાથ કેટલીક એલઇડી લાઇટો પણ વધારાની મૂકવામાં આવી છે. જે ઝળહળતી રોશનીનો નજારો નગરજનો પુલ ઉપરથી પણ નિહાળી શકે, અન્યથા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી વગેરે કરી શકે, તે માટે ત્રણ દિવસ સુધી આ પ્રકારની રોશની ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત વર્ષ દરમિયાનના જુદા-જુદા તહેવારો, સ્વાતંત્ર્ય પર્વ સહિતના દિવસે પણ બ્રિજને આ જ પ્રકારે રોશનીથી શણગારવા માટેનું પણ મહાનગર પાલિકા દ્વારા આયોજન થઈ રહ્યું છે.


