ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા SIRની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં BLO તરીકે રાજ્યભરના શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. આ કામગીરીથી ત્રસ્ત થયેલા કોડીનારના શિક્ષકએ આપઘાત કર્યાના બનાવમાં મળેલી સ્યુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. શિક્ષકના આપઘાતથી ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોમાં ઉગ્ર રોષ ફેલાઇ ગયો છે.
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોને સતત વધતી જાયેલી બૂથ લેવલ ઓફિસર (BLO)ની ફરજો સોંપવામાં આવતા શિક્ષણ વ્યવસ્થામાં વિક્ષેપ તો ઊભો થતો જ રહ્યો છે, પરંતુ હવે આ કામગીરી જીવલેણ સાબિત થતી હોવાના આક્ષેપો વધુ તેજ બન્યા છે. સોમનાથ વિસ્તારમાં કાર્યરત અરવિંદભાઇ મૂળજીભાઇ વાઢેર નામના પ્રાથમિક શિક્ષકે BLOના ભારે દબાણને કારણે આપઘાત કર્યો હતો. આ ઘટના સામે આવતાં રાજ્યભરની શિક્ષકસમાજમાં શોક અને રોષ ફાટી નીકળ્યો છે. મળેલી સ્યુસાઈડ નોટમાં શિક્ષકે “પ્રિય પત્ની સંગીતા, મારાથી કોઇપણ કાળે હવે SIR કામ થઇ શકે એમ નથી અને હું છેલ્લા ઘણાં દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારૂં અને આપણાં દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બન્નેને ખૂબજ ચાહું છું, પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઇ રસ્તો નથી. મારો આ થેલ અહીં પડયો છે. તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે. તે સ્કૂલે આપી દેજે. I am very sorry my dear wife sangita and my loving dear son krishay. Date 21-11-2025, Time : 6:35 am.” લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
BLO સંબંધિત ભારણ અને સતત ચાલતા તણાવને જવાબદાર ઠેરવ્યા હોવાને લઈ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. આ દુ:ખદ ઘટનાથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે તાત્કાલિક Election Commission of India સમક્ષ વિગતવાર રજૂઆત કરી છે. સંઘે સ્પષ્ટ માંગ કરી છે કે, પ્રાથમિક શિક્ષકોને BLO તરીકે નિયુક્ત કરવું તેમના શિક્ષણ કાર્ય પર સીધી અસર કરે છે.
સતત વધતા દબાણ, જવાબદારીઓ અને સમયમર્યાદાઓને કારણે શિક્ષકો માનસિક તાણનો સામનો કરી રહ્યા છે. તાજેતરની ઘટના એ સિસ્ટમની ગંભીર ખામીનો ચેતવણીકારક સંદેશ છે. સંઘે ઇલેક્શન કમિશનને યાદ અપાવ્યું છે કે, આ મુદ્દે અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ સકારાત્મક ઉકેલ ન આવતા શિક્ષકોમાં ગંભીર અસંતોષ વધી રહ્યો છે. જો હવે પણ BLO કાર્ય સંબંધિત ભારણ ઘટાડવા અને શિક્ષકોને આ જવાબદારીમાંથી મુક્ત કરવા માટે યોગ્ય પગલા નહીં લેવામાં આવે, તો સંઘ વ્યાપક આંદોલન ચલાવવા માટે મજબૂર બનશે. સાથે સાથે શિક્ષક સંઘે સમગ્ર રાજ્યના શિક્ષકોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારનું મનદુ:ખ કે દબાણ આવે તો અતિશય પગલું ન ભરવું. સંઘ શિક્ષકોની સાથે છે અને તેમની હિતરક્ષા માટે મજબૂત લડત આપશે. કાયદેસરની અને શાંતિપૂર્ણ રીતે પોતાની માગણીઓ માટે એકતાબદ્ધ રહી લડત આપવી. આ બનાવે શિક્ષકવર્ગના પ્રશ્ર્નો, ખાસ કરીને BLO કામગીરીનો ભાર ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.


