જામનગરની રિલાયન્સ રિફાઇનરીમાં આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં જામનગરમાં જિલ્લા વહિવટી તંત્ર સહિતનું તંત્ર દોડતુ થયું હતું. આ દુઘર્ટનામાં ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. દુઘર્ટનાની જાણ થતાં તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી.
ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરીટી (એનડીએમએ) તથા ગુજરાત સરકારના ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરીટી (જીએસડીએમએ) તથા જિલ્લા વહિવટી તંત્રી જામનગરના ડીઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા આજ રોજ જામનગર જિલ્લામાં રાષ્ટ્ર કક્ષાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રિલાયન્સ રિફાઇનરીના ટેન્કફાર્મમાં આગ લાગવાની સ્થિતિને અનુલક્ષીને મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં ઇજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. દુઘર્ટના સર્જાયાની જાણ થતાં પોલીસ તથા જિલ્લા વહિવટી તંત્ર દોડી ગયું હતું. જી.જી. હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી, નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો. અને તાબડતોબ ઇજાગ્રસ્તોની સારવાર સહિતની પ્રક્રિયા હાથ ધરી હતી. આખરે સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર કરાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આ મોકડ્રીલમાં જિલ્લા વહિવટીતંત્ર, પોલીસ, ફાયર વિભાગ, તબીબો સહિતના જોડાયા હતાં. આ મોકડ્રીલ દ્વારા વહિવટી તંત્રની કોઇપણ પ્રકારની ડીઝાસ્ટરને પહોંચી વળવાની ક્ષમતાની કસોટી કરી તેની તૈયારીઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
View this post on Instagram


