દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામના વેપારી આજે સવારે ખંભાળિયાથી સલાયા આવી તેની દુકાનનું શટર ખોલતા હતા. તે સમયે બાઇકમાં આવેલા, મોઢે રૂમાલ બાંધેલા લૂંટારૂઓએ વેપારી પાસે રહેલાં રૂપિયા સાત લાખની રોકડ ભરેલા થેલાની ગણતરીની સેકંડોમાં જ લૂંટ ચલાવી પલાયન થઇ ગયા હતા. લૂંટના બનાવના પગલે જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક નાકાબંધી કરી લૂંટારૂઓની શોધખોળ આરંભી હતી.
લૂંટના બનાવની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતાં અતુલ વલ્લભદાસ બદિયાણી નામના વેપારી દરરોજની જેમ ખંભાળિયાથી સલાયા આવી અને પોતાની પાસે રહેલ થેલો જેમાં 7 લાખ જેટલી રોકડ રકમ,ડોક્યુમેન્ટ અને દવાઓ તથા દુકાનની તિજોરીઓની ચાવી હતી. આ થેલો બાજુમાં રાખી શટરનું તાળું ખોલતા હતા. એટલી વારમાં કાળા કલરના હોન્ડામાં આવેલ બે ઈસમો જેમાંથી એક એ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો અને બીજાએ સીધો વેપારીએ તાળું ખોલતા સમયે બાજુમાં રાખેલ થેલો ઉપાડી અને હોન્ડામાં ભાગ્યા હતા. જેથી વેપારી દ્વારા રાડો પાડતા છતાં પણ એ ઈસમો ભાગ્યા હતા.
ત્યારબાદ વેપારી દ્વારા લૂંટની જાણ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતાં આ અંગેની જાણના આધારે પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચનાથી પોલીસે જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી કરાવી હતી. નાના એવા સલાયા ગામમાં સવારના સમયે રૂપિયા સાત લાખની રોકડની લૂંટથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે નાશી ગયેલા બે બાઇકચાલક લૂંટારૂઓની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી પગેરૂં મેળવવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.


