શું આપ જાણો છો વિશ્વનો સૌથી લાંબો દરિયાકાંઠો ક્યા દેશ પાસે છે ? વિશ્વના કેટલાંક દેશો એવા છે જે વિશાળ લાંબો દરિયાકાંઠો ધરાવે છે. આપણી પૃથ્વી પર 200 થી વધુ દેશો આવેલા છે. જેમાં કેટલાંક દેશો દરિયાકાંઠા સાથે જોડાયેલા છે જ્યારે કેટલાંક દેશો દરિયાકાંઠો નથી ધરાવતા. ત્યારે સ્વભાવિકપણે જ મનમાં પ્રશ્ન ઉઠે કે વિશ્વનો સૌથી લાંબો દરિયાકાંઠો ક્યા દેશ પાસે છે ? તો તેનો જવાબ છે કેનેડા. જે લગભગ 2,43,000 કિ.મી. લાંબો દરિયાકાંઠો ધરાવે છે એટલું જ નહીં આ દરિયાકાંઠો ત્રણ-ત્રણ મહાસાગરો એટલાન્ટિક, પેસીફિક અને આર્કટિક મહાસાગર સાથે સંકળાયેલો છે.
પૃથ્વી પરની સૌથી લાંબી દરિયાઇ સીમા ધરાવતો કેનેડા વિશ્વના કુલ દરિયાકાંઠાના લગભગ 15% જેટલો હિસ્સો ધરાવે છે. કેનેડા ભૌગોલિક રીતે હજારો ટાપુઓ, ખાડીઓ અને દ્વિપકલ્પથી ઘેરાયેલો દેશ છે. દરિયાના દરેક નાના વળાંક અને ખાંચા તેના કાંઠાની કુલ લંબાઇમાં વધારો કરે છે. પરિણામે તે વિશ્વનો સૌથી જટિલ દરિયાકાંઠો બને છે. દરિયાકાંઠાની લંબાઇ માપવી જેટલું દેખાઈ છે તેટલું સરળ નથી હોતું છતાં સીઆઈએ વર્લ્ડ ફેકટબુક અને નેશનલ જિયોગ્રાફી બંને કેનેડાના દરિયાકાંઠાને વિશ્વના સૌથી લાંબા દરિયાકાંઠા તરીકે માન્યતા આપે છે. કેનેડા બાદ સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા દેશોની વાત કરીએ તો નોર્વે 83000 કિ.મી., ઈન્ડોનેશિયા 54,700 કિ.મી., રશિયા 37,600 કિ.મી., તથા ફિલિપાઈન્સ 36,300 કિ.મી. નો સમાવેશ થાય છે.
લાંબા દરિયાકાંઠાના આર્થિક અને વ્યૂહાત્મક ફાયદાઓ પણ ઘણાં હોય છે. દરિયાકાંઠાની લંબાઇ ધરાવતા દેશોમાં ભારતની વાત કરીએ તો ભારત પાસે અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગર સાથે લગભગ 7516 કિ.મી. સુધી ફેલાયેલો લાંબો મહત્વપૂર્ણ દરિયાકાંઠો છે. જે એક ડઝનથી વધુ મુખ્ય બંદરો અને અનેક દરિયાકાંઠાની અર્થવ્યવસ્થાઓને ટેકો આપે છે. કેનેડા કરતા ઘણો ટૂંકો દરિયાકાંઠો હોવા છતાં વેપાર, માછીમારી અને દરિયાઈ સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ભારતને અન્ય વૈશ્વિક દરિયાઈ માર્ગો સાથે જોડે છે.


