કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં ઘરની પંચાત નહીં કરવા બાબતે સમજાવવા જતાં યુવાન ઉપર ચાર શખ્સોએ એકસંપ કરી, કારમાં આવી, લાકડી વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા અને ખેતી કરતાં દિલીપભાઇ ઠાકરશીભાઇ વીરાણી (ઉ.વ.55) નામના ખેડૂત પ્રૌઢના ઘર પાસે રહેતાં ભૂપતભાઇના પત્નીએ પ્રૌઢના ભાભી સાથે સંબંધ વિકસાવી પ્રૌઢના પત્ની તથા તેના ભાભી વચ્ચે ગૃહકંકાસ કરાવતા હોય જેથી પ્રૌઢે ભૂપતભાઇના પત્નીને સમજાવવા ગયા હતા. અને અમારા ઘર પાસેથી નીકળતા નહીં અને ઘરની પંચાત કરતા નહીં. તેમ જણાવતાં ઉશ્કેરાયેલા ભૂપત મોહન કાળા, વિપુલ ભૂપત કાળા અને કેવિન ઉર્ફે લાલો ભૂપત કાળા તથા એક અજાણ્યા સહિતના ચાર શખ્સોએ પ્રૌઢ ગામના ચોકમાં બેઠા હતા ત્યારે આવી ભૂપતભાઇએ જેમ ફાવે તેમ ગાળો કાઢી, વિપુલ, કેવિન અને અજાણ્યા શખ્સે લાકડી વડે દિલીપભાઇ પર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએઅસાઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફે પિતા અને બે પુત્રો સહિત ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


