ધ્રોલ તાલુકાના ખાખરા ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરીકામ કરતી યુવતીને તેણીના માવતરે આંટો મારવા જવાની પતિએ ના પાડતાં મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર જિલ્લાના ચોરબારિયા ગામના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ખાખરા ગામમાં સાવજુભા જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતાં વિનોદભાઇ માનસીંગ વહુનિયા (ઉ.વ.25) નામના યુવાનના એક માસ પહેલાં સોનલબેન સાથે લગ્ન થયા હતા. દંપતિ વાડી વિસ્તારમાં રહી ખેતમજૂરી કરતું હતું. દરમ્યાન ગત્ તા. 12ના રોજ બપોરના સમયે વિનોદના ભાઇ અને ભાભી થ્રેસરમાં મગફળી કાઢવા માટે ગયા હતા. તે દરમ્યાન વિનોદ વાડીએ પાણી ભરવા ગયો હતો. તેની પત્ની સોનલએ તેના માવતરે આંટો મારવા જવાનું કહેતાં પતિએ અત્યારે આંટો મારવા માવતરે જવાની ના પાડી હતી. જે બાબતે મનમાં લાગી આવતાં સોનલબેને વાડીની ઓરડીમાં રહેલી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં યુવતીને સારવાર માટે બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા હે.કો. ડી. પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


