રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કાર્ડીયોલોજી અને કાર્ડીઓ વાસ્કયુલર થોરાસીક સર્જરીમાં ક્ષતી બદલ જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયૂટને પી.એમ.જે.એ.વાય. યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાતા હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા પત્રકાર પરીષદ યોજી ખુલાસો કરાયો હતો. અને સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ આ ઘટના અંગે પોલીસ ફરિયાદની તજવીજ ચાલતી હોવાનું પણ જણાવાયું હતું.
જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયૂટ (જેએચઆઇ)ના મેનેજીંગ ડાયરેકટર કે.એચ. મારકણાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે સૌપ્રથમ તો એ સ્પષ્ટતા કે જેસીસી હોસ્પિટલ (જામનગર ક્રિટીકલ કેર સેન્ટર) અને જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયૂટ બન્ને અલગ અલગ સંસ્થા છે. જેસીસી હોસ્પિટલ લગભગ એક દાયકાથી વધુ સમયથી કાર્યરત છે જ્યારે હાર્ટ ઇન્સ્ટીટયૂટ છેલ્લા દોઢેક વર્ષથી કાર્યરત સંસ્થા છે. જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયૂટમાં કાર્ડીયોલોજીસ્ટ ડો. પાર્શ્વ વોરાના પિતા અને તેમના પરિવારજનોનો વધુ હિસ્સો હોવાનું તેમણે જણાવ્યું હતું જેથી સરકાર અને આરોગ્ય વિભાગ સહિતની સંચાલનની પ્રક્રિયા વધુ પડતી તેમના પરિવાર દ્વારા કરવામાં આવતી હોવાનું તેમજ સંસ્થાના ઇમેઇલ, પીએમજેએવાય યોજનાના એકસેસ પણ ડો. પાર્શ્વ વોરા પાસે જ હતાં અને મેનેજમેન્ટને ઘ્યાન બહાર આ કૌભાંડ આચર્યુ હતું. ચાર જેટલા કેસોનું કૌભાંડ હોય આ અંગે પેનલ્ટી પણ ભરી દેવામાં આવી હતી. આ ઉપરાંત પેનલ્ટી અંગેના ઇમેલ પણ ડીલીટ કરી દેવામાં આવ્યા હોવાનો મેનેજમેન્ટ દ્વારા આક્ષેપ થયો હતો. આ સમગ્ર બાબત તેમજ સ્ટાફ સાથેના ઇસ્યુ અને આ ઘટના અંગે નોટીસ પણ આપવામાં આવી હતી. તેમજ મેનેજમેન્ટ દ્વારા ડો. પાર્શ્વ વોરાને ટર્મીનેટ કરી દેવાયા હતાં અને હવે એફઆઇઆર કરવા તજવીજ ચાલતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
View this post on Instagram
ડો. મારકણાએ વધુમાં જણાવ્યું હતું કે ડો. પાર્શ્વ વોરાએ આ ઘટના અંગે માફીનામુ પણ આપ્યું હતું. અને મેનેજમેન્ટની જાણ બહાર આ કર્યુ હોવાનું જણાવાયું હતું. તેમજ પોર્ટલ હેક કરી કોઇપણ માહિતી મેનેજમેન્ટને ન પહોંચે તેમ કર્યુ હોવાનું પણ મેનેજમેન્ટે જણાવ્યું હતું. ડો. પાર્શ્વ વોરા દ્વારા પી.એમ.જે.એ.વાય. યોજનામાંથી આખી હોસ્પિટલને જ કાઢી નાખી હતી. અને સરકાર દ્વારા ચાર ગેરરિતીના આંકડા જ આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું જેની પેનલ્ટી પણ ભરી દેવામાં આવી છે. ડો. પાર્શ્વ વોરાએ 700થી 800 ઓપરેશન કર્યા હોવાનું જણાવાયું રહ્યું છે.
ડો. નિકુંજ ચોવટીયાએ જણાવ્યું હતું કે એન્જીયોપ્લાસ્ટી માટે મળતા ઇન્સેન્ટીવ માટે આ કર્યુ હોય તેવું લાગી રહ્યું છે. મેનેજમેન્ટને કોઇ જાણ ન હતી અને પાર્ટનરો સાથે વિશ્વાસઘાત થયો છે તેમ જણાવી આ સમગ્ર ઘટના અંગે કાયદાકીય માર્ગદર્શન અને એફઆઇઆર સહિતની કાર્યવાહી હાથ ધરાશે. આમ જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયૂટમાં થયેલ ગેરરિતીના કારણે ભળતા નામને કારણે જેસીસી હોસ્ટિલની છબી ખરડાતા હોસ્પિટલના તબીબોમાં પણ આક્રોશ છવાયો છે.
આ પત્રકાર પરીષદમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટીટયૂટના સેન્ટર હેડ ગીરીરાજસિંહ ઝાલા, ડો. નિકુંજ ચોવટીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


