જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીએ પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સમગ્ર જીલ્લાનું નામ રોશન કર્યું છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા આયોજિત 18મી આંતર-કંપની નાટક અને સંગીત સ્પર્ધામાં જામનગર વર્તુળ કચેરીની ટીમે પ્રથમ ક્રમ મેળવી વિજયનો ધ્વજ લહેરાવ્યો હતો.
આ સ્પર્ધામાં કુલ 19 નાટ્ય ટિમોએ ભાગ લીધો હતો, જેમાંથી જામનગરની ટીમે શ્રેષ્ઠ અભિનય અને પ્રસ્તુતિથી સૌનું મન મોહી લીધું. નાટક વિભાગમાં પ્રથમ સ્થાન મેળવનાર જામનગર વર્તુળ કચેરીએ સાથે સાથે બેસ્ટ ડિરેકશન માટે પણ પ્રથમ ક્રમ મેળવ્યો હતો, જ્યારે મંચ સજાવટ માટે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી પોતાના સર્વાંગી પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા.
View this post on Instagram
આ ઉપરાંત, હળવું કંઠ્ય સંગીત વિભાગમાં આશ્વાસન ઇનામ પણ જામનગર વર્તુળ કચેરીએ મેળવ્યું હતું જે ટીમના બહુમુખી પ્રતિભાનો પુરાવો છે. ટીમના આ ગૌરવમય પ્રદર્શન બદલ અધિક્ષક ઈજનેર શ્રી હસિત વ્યાસે સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે જામનગર વર્તુળ કચેરીના કર્મચારીઓએ પોતાની પ્રતિભા અને મહેનતથી સાબિત કર્યું છે કે વીજ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ કલાત્મક ક્ષેત્રમાં પણ જામનગર આગળ છે. આ સફળતા માત્ર જામનગર પીજીવીસીએલ માટે જ નહીં પરંતુ સમગ્ર જીલ્લા માટે ગૌરવની વાત બની છે.


