ખંભાળિયામાં એસ.ઓ.જી. પોલીસે અનધિકૃત રીતે ચાલતી ગેસ સિલિન્ડર રિફિલિંગની પ્રવૃતિ સામે કડક કાર્યવાહી કરી વધુ એક શખ્સને આ જોખમી પ્રવૃત્તિ કરતા 23 ગેસ સિલિન્ડર, ચાઈનીઝ નાના બાટલા (હાંડી) સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
આ મળેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલ અને પી.એસ.આઈ. કે.એમ. જાડેજાની ટીમ દ્વારા લોકોના જીવ જોખમમાં મૂકીને ગેરકાયદેસર રીતે પદાર્થો કે વિસ્ફોટકો રાખીને હેરાફેરી કરતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને એ.એસ.આઈ. લખમણભાઈ આંબલીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા શહેર નજીકના શક્તિનગર વિસ્તારમાં આવેલી શ્રીજી સાનિધ્ય સોસાયટીના ગેઈટની બાજુમાં રહેતા અને શ્રીજી પાન નામથી પાનની દુકાન ધરાવતા કારા મેરામણ અરજણ નંદાણીયા (ઉ.વ.45) નામના શખ્સ દ્વારા સતવારા સમાજની વાડીની સામેની ગલીમાં “શ્રીજી નિવાસ” નામના રહેણાંક મકાનમાં શહેરમાં ગેરકાયદેસર રીતે સરકારના સબસીડીવાળા એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસના ખાલી બાટલા તેમજ પાંચ કિલોના નાના બાટલાઓમાં ગેરકાયદેસર રિફિલિંગ કરતા ઝડપી લીધો હતો.
ઉપરોક્ત શખ્સ દ્વારા કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો વગર ગેરકાયદેસર રીતે ગેસના ભરેલા બાટલામાંથી ઈલેક્ટ્રીક મોટર સાથે જોડાયેલા કમ્પ્રેસરમાંથી રબરની પાઈપ લગાવી અને તે કમ્પ્રેસરમાં એક બીજી રબરની પાઈપ મારફતે નોઝલની મદદથી અન્ય કોમર્શિયલ ખાલી નાના-મોટા ગેસના બાટલામાં ગેસ ભરવામાં આવતો હતો.
આ પ્રકરણમાં પોલીસે ઈન્ડેન કંપનીના બે નંગ ભરેલા બાટલા, નવ ખાલી બાટલા, એક કોમર્શિયલ ખાલી બાટલો, ભારત ગેસના પાંચ ખાલી બાટલા, રિલાયન્સ કંપનીના પાંચ ખાલી બાટલા, એચપી કંપનીનો એક ખાલી બાટલો, ઉપરાંત છ નંગ ચાઈનીઝ નાના ખાલી અને બે નંગ ભરેલા બાટલા (હાંડી) તેમજ લોખંડની ઇલેક્ટ્રીક મોટર, એસેમ્બલ કમ્પ્રેસર, રેગ્યુલેટર, નોઝલ સહિત કુલ રૂપિયા 58,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉપરોક્ત શખ્સ દ્વારા પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવતા લાયસન્સ વગર, બાટલો રિફિલિંગ કરવા બાબતે લાયસન્સ કે સક્ષમ અધિકારીના પરવાના વગર જાહેરમાં આગ અથવા સળગી ઊઠે તેવી પ્રવૃત્તિ કરી અને માનવ જિંદગી જોખમાય તે રીતે ગેસનું રિફિલિંગ કરી, વેચાણ કરવા માટેનું ગેરકાયદેસર કૃત્ય કરવા સબબ એસ.ઓ.જી. વિભાગના હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી આરોપી કારા મેરામણભાઈ નંદાણીયા સામે બી.એન.એસ.ની કલમ ઉપરાંત વિસ્ફોટક અધિનિયમ અને આવશ્યક ચીજ-વસ્તુધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. કે. કે. ગોહિલ અને પી.એસ.આઈ. કે. એમ. જાડેજા, હરદેવસિંહ જાડેજા, લખમણભાઈ આંબલિયા, નરેન્દ્રસિંહ રાઠોડ, હરદીપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા અને સ્વરૂપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.


