જામનગરમાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના સઘન નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ મહેસુલ વિભાગની મહેસુલી તલાટી વર્ગ-3ની પરીક્ષાનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે કુલ 16,274 ઉમેદવારો નોંધાયા હતાં. જેમના માટે શહેરના જુદા જુદા 50 કેન્દ્રો પર કુલ 543 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાને સુવ્યવસ્થિત અને પારદર્શક રીતે યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, અધિક કલેક્ટર બી.એન.ખેર, પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયા, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પરીક્ષા દરમિયાન કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને વિવિધ પરીક્ષા કેન્દ્રો પર જઈને પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર એક વર્ગ-1 અથવા વર્ગ-2 કક્ષાના મંડળ પ્રતિનિધિ અને તકેદારી સુપરવાઈઝરની નિમણૂક કરવામાં આવી હતી.પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે જ પરીક્ષાની ગતિવિધિ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉમેદવારો માટે પ્રાથમિક સારવાર, પીવાના પાણી સહિતની તાકીદની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને પરીક્ષા કેન્દ્રો વચ્ચે સંકલન જાળવવા માટે કુલ 13 રૂટ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની ન હતી અને ઉમેદવારોએ સુચારુ વાતાવરણમાં પરીક્ષા આપી હતી.


