જામનગરમાં રણજિતસાગર રોડ પર રહેતી ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ભણતરના ભારથી કંટાળીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં આવેલા મયુરબાગ, શેરી નંબર બે, રણજિતસાગર રોડ પર રહેતી પ્રણીલીબેન ઉર્ફે પરી અલ્પેશભાઇ ચોવટિયા (ઉ.વ.17) નામની વિદ્યાર્થિની ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરે છે. ધોરણ 12 સાયન્સનો અભ્યાસનું ભારણ વધુ રહેતું હતું. જેના કારણે ચિંતામાં રહેતી યુવતીને ભણતરના ભારનું મનમાં લાગી આવતા સોમવારે સાંજના સમયે તેના ઘરે રૂમની છતમાં રહેલા હૂકના પંખામાં દુપટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા અલ્પેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઇ એચ. આર. બાબરિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


