ખંભાળિયા શહેરમાં જૂના અને તોતિંગ વૃક્ષોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી એક યા બીજા કારણોસર કાપવામાં આવતા વિશાળ વૃક્ષ સંદર્ભે અહીંના નગરજનો દ્વારા રોષ વ્યક્ત કરી અને આ મુદ્દે સ્થાનિક તંત્રને ગંભીર નિષ્ક્રિયતા અંગે કેબિનેટ મંત્રી, કલેકટર વિગેરેને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ખંભાળિયા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક યા બીજા કારણોસર વૃક્ષોનું આડેધડ છેદન થઈ રહ્યું છે. નવાઈની બાબત તો એ છે કે શહેરના શિક્ષિત અને સમજુ નાગરિકો દ્વારા પણ કરવામાં આવતી આ પ્રવૃત્તિ અંગે નગરપાલિકા તેમજ સ્થાનિક તંત્ર ઉદાસીન હોવાનું જોવા મળી રહ્યું છે. વૃક્ષ કાપવા માટે શિક્ષિત અને ચાલાક નાગરિકો દ્વારા મંજૂરીનો પત્ર નગરપાલિકામાં જમા કરાવવામાં આવે છે, જેની કોઈ ગંભીર નોંધ લેવાતી નથી. ફક્ત પત્ર પાઠવીને મંજૂરીની રાહ જોયા વગર વૃક્ષ રાત્રે કે વહેલી સવારે કાપી નાખવામાં આવે છે.

આ મુદ્દે જો સંબંધી તંત્રને જાણ કરવામાં આવે તો તેઓને મીઠો ઠપકો આપીને રૂ. એકાદ હજાર જેવો દંડ કરી, તંત્ર દ્વારા આ અમૂલ્ય ઝાડની જિંદગીનો સોદો હતો હોવાનો સૂર પણ વ્યક્ત કરાયો છે. વર્ષો જુના ઝાડને આપવા માટે કાયદાકીય સકંજો વધુ મજબૂત બનાવવામાં આવે તેવી માંગ ગ્રીન ખંભાળિયા દ્વારા કરવામાં આવી છે.

જેમાં લોકો દ્વારા આપવામાં આવતો વૃક્ષ કાપવા માટેની મંજૂરીનો પત્ર સંબંધિત તંત્રએ ગંભીરતાપૂર્વક લઈ અને આ વૃક્ષ બચાવવા માટે જેટલા ટેકનીકલ ઉપાય થતા હોય તે અજમાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. જો મંજૂરી વગર વૃક્ષ કાપવામાં આવે તો જે-તે આસામીને વારંવાર ઓફિસે બોલાવી અને નોટિસો આપી, અન્ય સરકારી કચેરીઓની જેમ ધક્કા ખવડાવીને કેસને શક્ય તેટલો લાંબો ખેંચી, આવા આસામીને કાયદા મુજબ દંડ તેમજ માનસિક રીતે પણ પરેશાન કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ વિશાળ ઝાડ કાપતા પૂર્વે 100 વખત વિચારે.
વૃક્ષચ્છેદન બાબતને અત્યંત ગંભીરતાપૂર્વક અને કોઠર રીતે હેન્ડલ કરી અને આવી બાબતમાં કાયદામાં કઠોરમાં કઠોર સજા હોય, તેનો અમલ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રીન ખંભાળિયા દ્વારા જો વૃક્ષોને આડેધડ રીતે કાપવામાં આવશે તો આગામી સમયમાં પર્યાવરણનો વિનાશ થતો રહેશે તેવી દહેશત પણ આ પત્રમાં વ્યક્ત કરવામાં આવી છે.


