દેવભૂમિ દ્વારકા પંથકમાં આવેલા સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ એવા ચાક ટાપૂ (બ્લોક નંબર આઠ) ખાતે ગેરકાયદેસર માછીમારી કરવા પ્રવેશ કરેલા 6 માછીમારોને વનવિભાગે ઝડપી લઇ અટકાયત કરી તેના વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દ્વારકા જિલ્લાનો દરિયાઇ વિસ્તાર પાકિસ્તાનની નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા અને નૌસેનાની હદ તથા દરિયાઇ ઇકો સિસ્ટમ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને આવા વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ ફક્ત વન્ય જીવન માટે જ નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે. આ અંગેની મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આંતરરાષ્ટ્રિય સરહદ નજીક સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા ચાક ટાપુ (બ્લોક નંબર 08)માં મંજૂરી વગર માછીમારી ગેરકાયદેસર છે અને દરમિયાન મરીન નેશનલ પાર્કના અધિકારીઓને મળેલી બાતમીના આધારે અમુક માછીમારો અભ્યારણ્ય અને સરહદી સુરક્ષા વિસ્તારમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન. પી. બેલા તથા સ્ટાફના એસ. જી. કણજારિયા, એન. જે. ગાગિયા, યુ. પી. સાદિયા, છગનભાઇ ગોડેશ્ર્વર, વિનોદભાઇ ડાભી, ઇબ્રાહિમભાઇ સમા, અબ્બાસ મામદ, બીજલ જેશાભાઇ, કિશન માતંગ સહિતના સ્ટાફએ કાર્યવાહી અંતર્ગત અભ્યારણ્ય વિસ્તારમાં મંજૂરી વગર માછીમારી કરતાં મહેબૂબ આરબી કુંગડા (રહે. સિકકા), સંઘાર ફારૂક હુસેન (રહે. સિક્કા), સંઘાર શબ્બીબ અબ્બાસ (રહે. સલાયા), ભાયા ઇમરાન જાકુબ (રહે. ભરાણા), લતિફ અબ્બાસ ગાદ (રહે. સલાયા), ભાયા અઝીઝ અનવર (રહે. સલાયા) નામના 6 માછીમારો વિરૂઘ્ધ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી, બોટ કબ્જે કરી અટકાયત કરી હતી.


