જામનગર જિલ્લાના જોગવડ ગામની સીમમાં આવેલી લેબર કોલોનીમાં રહેતાં શ્રમિક યુવાનનું નજીવી બાબતે બે શખ્સો દ્વારા લાકડી અને ગેસની નળી વડે હુમલો કરી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવમાં મેઘપર પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને હત્યારાઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હત્યાના આ બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં આવેલી લેબર કોલોનીમાં રહેતાં અને મજૂરીકામ કરતાં દિલીપકુમાર મંગલસિંહ શ્રીવાસ્તવ (ઉ.વ.આ.38) નામનો યુવાન રવિવારે રાત્રિના સમયે તેની ઓરડીની બાજુમાં રહેતાં તેના જ ગામના મોહન ઠાકુરની સાથે જોર જોરથી વાતો કરતો હતો. ત્યારે ત્યાંથી પસાર થતાં આકાશકુમાર દીપકસિંહ અને અવનિશ સુરેન્દ્રસિંહ નામના બે યુવાનો પૈકીનો આકાશકુમાર તેના મોબાઇલ ફોનમાં કોઇ સાથે વાત વાતો કરતો હતો. તે સમયે જોર જોરથી વાતો કરતાં દિલીપકુમારને જોરથી નહીં બોલવાનું કહ્યું હતું. જેથી દિલીપકુમારે આકાશકુમારને દૂર જઇને ફોનમાં વાત કરવાનું કહેતાં ઉશ્કેરાયેલા આકાશકુમાર અને અવનિશએ દિલીપકુમાર ઉપર લાકડી અને ગેસની નળીઓ વડે હુમલો કરી આડેધડ માર માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ ઘવાયેલા દિલીપકુમારને બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
દરમિયાન પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. ટી. જયસ્વાલ, હે.કો. બ્રિજરાજસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, કે. કે. બાબરિયા, ભગીરથસિંહ જાડેજા, પો.કો. પ્રદીપસિંહ જેઠવા, કુલદીપસિંહ પરમાર, મહેશભાઇ જોગલ, કરણાભાઇ વશરા, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે ઉત્તરપ્રદેશના વતની અને હાલ લેબર કોલોનીમાં રહેતા આકાશકુમાર દીપકસિંહ (ઉ.વ. 23) અને અવનિશ સુરેન્દ્રસિંહ (ઉ.વ.31) નામના બે શખ્સોને ઝડપી લઇ હત્યામાં વપરાયેલ લાકડી તથા ગેસની નળી કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.


