જામનગર શહેરમાં આઇફોનની ડુપ્લીકેટ એસેસરીઝ વેચાણ સંદર્ભે કંપનીની એકઝિકયુટિવ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કંપનીની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી શહેરની દુકાનોમાં વ્યાપક દરોડા પાડતા વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગને લઇ વેપારીઓમાં ચર્ચાનો મુદો પણ બન્યો હતો. આ ચેકિંગ દરમ્યાન પાંચ વેપારીઓ વિરૂઘ્ધ સિટી ‘બી’ ડિવિઝનમાં ફરિયાદ પણ નોંધાઇ છે.
જામનગર શહેરમાં આઇફોન કંપનીના એપલના સિમ્બોલવાળી ડુપ્લીકેટ મોબાઇલ એસેસરીઝ વેચાતી હોવાની બાતમીના આધારે કંપનીની ટીમ દ્વારા જામનગરમાં પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં New. Mobile.com, જય માતાજી મોબાઇલ પોઇન્ટ, મોબાઇલ સોલ્યુશન, ચુઝ એન્ડ બાય તથા સેલ પોઇન્ટ નામની કુલ પાંચ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાતા આ તમામ દુકાનધારકોએ આઇફોન કંપનીના એપલના સિમ્બોલવાળી ડુપ્લીકેટ મોબાઇલ એસેસરીઝનો કુલ રૂા. 7,65,000નો મુદ્દામાલ વેચાણઅર્થે રાખ્યો હતો. તે મળી આવ્યો હતો.
આ અંગે અમદાવાદમાં રહેતા વિશાલસિંહ હીરાસિંહ જાડેજા દ્વારા મહેબૂબ મહમદ મેતર, વિનોદ પરસોત્તમ કટેશિયા, સરફરાજ યુનિસ તાસમાણી, કલીમ હનીફ બલોચ તથા હાસમ ઇકબાલ ફુલવાલા સહિત પાંચ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા સિટી ‘બી’ પોલીસે પાંચ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે સિટી ‘બી’ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. જી. રાજ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.


