જામજોધપુર ગામમાં માર્કેટ યાર્ડની પાછળ આવેલા ધાર વિસ્તારમાં ખેતરમાં નિંદ્રાધિન બે યુવકો ઉપર પૂરપાટ આવી રહેલો બોરવેલનો ટ્રક ફરી વળતા બન્નેના ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા કળસીધાર સીમ વિસ્તારમાં ચીમનભાઈ જાવીયાના ખેતરમાં ગત તા.7 ના રોજ રાત્રિના સમયે શ્રમિક યુવાનનો પુત્ર ભંગી અને તેના સાળાનો દિકરો રીતેશ બન્ને ખેતરમાં સુતા હતાં તે દરમિયાન 11:30 વાગ્યાના અરસામાં જીજે-03-સીઈ-0233 નંબરના બોરવેલના ટ્રકના ચાલકે તેનો ટ્રક નિંદ્રાધિન બન્ને યુવકો ઉપર ફરી વળતા બન્નેને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા બન્નેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. બનાવ અંગેની મૃતક યુવકના પિતા આશારામ શિલાભાઈ સેનાણી દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને સ્થળ પરથી બન્ને યુવકોના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


