કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના વાડી વિસ્તારમાં રહેતા નથુભાઈ ભીખાભાઈ ભાટિયા નામના 45 વર્ષના આહીર યુવાનના પુત્ર રોહિતને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, અને તેઓએ ભાગીને લગ્ન કર્યા બાદ તેઓ વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. આ પછી રોહિતના ડોક્યુમેન્ટ યુવતી પાસે હોવાથી આ ડોક્યુમેન્ટ પરત અપાવવાની જવાબદારી યુવતીના સંબંધી એવા ભોગાત ગામના માલદે રણમલ ગોરીયાએ લીધી હતી. આ ડોક્યુમેન્ટ રોહિતે માંગતા આ પ્રકરણમાં આરોપી માલદે રણમલ ઉપરાંત ભૂટા રણમલ, હેમંત રણમલ અને રામશી કાના ગોરીયા સ્કોર્પિયો કારમાં નથુભાઈ ભીખાભાઈ ભાટીયાની વાડીએ આવ્યા હતા. ત્યાં આરોપીઓએ નથુભાઈને લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો.
આ પછી અલ્ટો અને સ્વીફ્ટ મોટરકારમાં આવેલા મેરાભાઈ અને ભરતભાઈ ઉપરાંત બીજા આશરે પાંચ થી છ જેટલા શખ્સોએ નથુભાઈને બેફામ માર મારી ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે નથુભાઈ ભાટીયાની ફરિયાદ પરથી છ જેટલા અજાણ્યા શખ્સો સહિત કુલ બાર જેટલા શખ્સો સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.


