જામનગર શહેરમાં ભીમવાસ શેરી નંબર-3 માં રહેતાં નિંદ્રાધિન યુવકને તેની માતા દ્વારા ઉઠાડાતા બેશુદ્ધ થઈ ગયેલા યુવકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જમનગર શહેર સહિત સમગ્ર દેશભરમાં છેલ્લાં ઘણાં સમયથી હાર્ટએટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અને આ હાર્ટએટેકમાં નાના બાળકોથી લઇને યુવાનો સૌથી વધુ ભોગ બને છે. કોરોનાકાળ બાદ હાર્ટએટેકની ઘટનાઓ દિવસને દિવસે વધતી જાય છે. દરમિયાન જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ શેરી નંબર-3 માં રહેતા અને મજૂરી કામ કરતા વિવેક કાંતિભાઈ ખીમસુરીયા (ઉ.વ.21) નામનો યુવક ગત તા. 14 ના રોજ રાત્રિના સમયે તના ઘરે સુતો હતો તે દરમિયાન યુવકની માતા દ્વારા યુવકને જગાડતા યુવક બેશુદ્ધ થઈ ગયો હતો. જેથી પરિવારજનો ગભરાઇ ગયા હતા અને યુવકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા કાંતિભાઈ દ્વારા જાણ કરાતા હેકો બી બી જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચ જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર મોત નિપ્યું તે અંગેની તપાસ આરંભી હતી. પ્રાથમિક તારણમાં હૃદયરોગના હુમલાથી મોત નિપજયાની દિશામાં તપાસ હાથ ધરી હતી.


